Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં પ્રથમ વખત કોઈ IPS ને ત્યાં કેન્દ્રીય એજન્સીએ દરોડા પાડ્યાની વિગતો બિનસતાવાર રીતે વહેતી થતાં સમગ્ર રાજ્યમાં, ખાસ કરીને પોલીસબેડામાં ભારે ચકચાર અને ચર્ચાઓ વચ્ચે એમ પણ કહેવાય છે કે, તાજેતરમાં અમદાવાદના એક ફલેટમાંથી કરોડો રૂપિયાનું સોનું અને કરોડોની રોકડ મળી આવ્યાનું પ્રકરણ અને IPS ને ત્યાં દરોડાનું આ પ્રકરણ, ક્યાંક એકમેક સાથે જોડાયેલું છે.
IPS રવિન્દ્ર પટેલને ત્યાં, તેના પૂર્વ IPS પિતાને ત્યાં અને રવિન્દ્ર પટેલના સસરાને ત્યાં શેરબજાર નિયંત્રક સંસ્થા SEBI ના અધિકારીઓએ દરોડા શરૂ કર્યા છે- એવી વિગતો સંપૂર્ણ બિનસતાવાર રીતે સમગ્ર રાજ્યમાં ચર્ચાઓમાં છે. એવી પણ ચર્ચાઓ છે કે, આ પ્રકરણમાં ‘સાધના’ નામધારી કોઈ કંપની પણ સંકળાયેલી છે. પ્રાથમિક તપાસની ચર્ચિત વિગતો અનુસાર શેરબજારમાં કોઈ ‘ખેલ’ પડ્યો હતો, જે અનુસંધાને SEBI દ્વારા આ તપાસ શરૂ થઈ છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે, હાલમાં જ અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફલેટમાં અમદાવાદ પોલીસે તથા DRI એ પાડેલાં દરોડામાં 100 કિલોગ્રામ જેટલું સોનું અને કરોડોની રોકડ રકમ મળી હતી, એ પ્રકરણ અને આ IPS ને ત્યાં દરોડા- આ બંને મામલા એકમેક સાથે ક્યાંક જોડાયેલા છે.?
આ સાથે એવી વિગતો પણ બહાર આવી છે કે, ભૂતકાળમાં આ IPS પાટણ જિલ્લાના SP હતાં ત્યારે એક મોટા વેપારીને માર મારવામાં આવેલો, એ સમયે પણ આ પોલીસ અધિકારી વિવાદમાં આવ્યા હતાં. ત્યારબાદ હાલમાં ખેડબ્રહ્મા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં એવી જગ્યાઓ પર આ દરોડા શરૂ થયા છે, જે તમામ જગ્યાઓ સાથે આ IPS સંકળાયેલા છે. IPS ના પત્ની અને સાળાની પણ પૂછપરછ થઈ હોવાની અને IPS ના સસરા પક્ષના કોઈ એક શખ્સને તપાસ માટે SEBI ઉઠાવી ગઈ હોવાની પણ ચર્ચાઓ છે. આ દરોડાને કારણે સમગ્ર રાજ્યમાં ચકચાર છે. કોઈ નવા ઘટસ્ફોટની પણ સંભાવનાઓ છે- એમ આ ગતિવિધિઓ સાથે સંકળાયેલા સૂત્ર જણાવે છે.