Mysamachar.in-રાજકોટ:
સમગ્ર સૌરાષ્ટ્રને મબલખ ખેત ઉત્પાદન અને અઢળક પાણીથી ફળદ્રુપ બનાવવાની યોજના એવી "સૌની" ના પાઇપમાંથી કથિત ભ્રષ્ટાચાર ઉછળ્યો છે, જોકે તો પણ જવાબદારોને જરા પણ શરમ નથી અને હજુ તો હાલાર તરફની શરૂઆતમાં જ શરમજનક રીતે સત્યાનાશ થઇ રહ્યો છે, જુદા જુદા પેકેજમા થઇ રહેલા અને સૌરાષ્ટ્રભરના જળાશયો અને સ્ટેટના તળાવો પાણીથી ભરપુર કરવાના અબજો રૂપીયાના પ્રોજેક્ટના જમીન નીચે છ-છ ફુટ જેટલા બીછાવેલા પાઇપ ઉછળીને બહાર આવતા આ કામ નો કથિત ભ્રષ્ટાચાર પણ ઉછળીને બહાર આવ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે,
આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ સરકારની ખુબ જ મહત્વકાંક્ષી અને હાલના વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવી સૌની યોજના ગઈકાલે ફરી શર્મશાર થઇ છે, રાજકોટના લોધિકા તાલુકાના અભેપર ખોખડદળ ગામ નજીક સૌની યોજનાની પાઈપલાઈન ખેતરોમાંથી અચાનક બહાર આવી જતા ભારે આશ્ચર્ય સાથે ટેકનિકલ કૌશલ્ય ઉપર પ્રબળ શંકા ઉભી થઇ છે, ઉપરાંત કામ દરમિયાન કરવામા આવતા થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન પર પણ સવાલો ઉઠે તે સ્વાભાવિક છે, આ ઘટનાથી જે તે વાડી માલિકોમાં દેકારો બોલી જવા પામ્યો છે, આ ઘટનાની જાણ થતા અધિકારીઓ પણ સ્થળ પર દોડ્યા હતા,અને કયા કારણોસર પાઈપલાઈન બહાર આવી તેનું કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યો હતા જોકે આ અધીકારીઓ માત્ર માથુ ખંજવાળતા હતા, એકંદર પાણીના બદલે ભ્રષ્ટાચારની બીછાવાયેલી આ જાળમા પાણી કેવી રીતે વહેશે તે સવાલ છે, અને લોકોને સપના દેખાડતી સરકાર આવા જ કામપુરા કરી જમીન નીચે પ્રજાના નાણા બરબાદ કરી નાંખશે તેવી ભીતી અને પ્રબળ આશંકા જાણકારો સેવે છે,
-જવાબદારની બેજવાબદાર પ્રતિક્રીયા
વધુમાં એવું પણ જાણવા મળે છે કે જામનગર જિલ્લામાં ચાલતા સૌની યોજનાના કામો અને રાજકોટના કામોનો ચાર્જ પણ જામનગરના જ અધિકારી મહેતા પાસે છે, ત્યારે તેવોની આ બાબતે ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ આ મુદ્દાને હળવાશથી લેતા હોય તેમ આવું તો થાય,…. તેમ કહી વધુમાં એ વાતને પણ પુષ્ટી આપી કે જામનગરમાં પણ પીપરટોડા થી સાની ડેમ સુધીનું કામ રાજકોટમાં જે કંપનીએ એ કામ કર્યા બાદ લાઈન ઉંચી થઇ ગઈ છે ,તેના દ્વારા જ હાલ ચાલી રહ્યું છે,અને રાજકોટ જેવી જ ઘટના જામનગરમાં પણ ગતવર્ષે બની હતી તેવું પણ તેણે વાતચીતમાં ઉમેર્યું હતું,
-કામ કરનાર એજન્સીનો શંકાસ્પદ બચાવ
આ પાઇપલાઇન નુ કામ મેઘા એન્જિનિયરીંગનુ છે, આ અંગે કંપનીના મેનેજર મનોહરની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ ઠીકરું વરસાદ પર ફોડી અને કહ્યું કે વરસાદ આવ્યો અને લાઈન ખાલી હતી એટલે આવું થયું હશે મારે એટલું જ કેહવું છે અને વધુ ખુલાસો કરવાનુ શંકાસ્પદ રીતે ટાળ્યુ હતુ.
-પાઇપ બીછાવી કોંક્રીટ કામ ન કરી કરોડો બચાવ્યા.?
આ પાઇપલાઇનો ઉછળીને ઉભરો આવે તેમ બહાર આવી તેમા કોન્ક્રીટના કામ ન થયા હોય તેવું બને કેમકે જે જે પોઇન્ટ ઉપર કોંક્રીટ કામ કરવાનુ થાય ત્યા ૧ ક્યુબિક મીટર કોન્ક્રીટ કરવાના ૮ થી ૧૦ હજાર જેટલો રેટ થાય,ત્યારે આ કામ સાથે સીધા સંકળાયેલા કેટલાક સુત્રો જણાવે છે કે કોન્ક્રીટના કરી આવી લાઈનોમા કરોડોનું કથિત કૌભાંડ આચરવામાં આવે છે, અને એક વખત લાઈન પેક થઇ ચુક્યા બાદ કોઈ ખોલવા માટે નથી જતું, ત્યારે સંભવત જ્યાં આવા કામ થયા હોય થવા ચાલુ હોય ત્યાં પણ કોન્ક્રીટ ના કરી કરોડો ખિસ્સામાં કોણ પધારાવતું હશે કે બચાવતું હશે.?