Mysamachar.in-જામનગર:
કેન્દ્ર સરકારની સારી આરોગ્ય યોજના PMJAY માં કૌભાંડ કરવાથી જે રીતે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ આખા રાજ્યમાં કુખ્યાત બની ગઈ એ જ રીતે જામનગરની JCC હાર્ટ ઈન્સ્ટીટયૂટને પણ તાજેતરના ‘વોરાકાંડ’ને પરિણામે બહુ સહન કરવાનો સમય આવ્યો. આ ‘હોસ્પિટલ’ની PMJAY માંથી ‘કાયમી’ બાદબાકી થઈ જવાના એંધાણ સપાટી પર આવી ગયા છે.
જામનગરની JCC હાર્ટ ઈન્સ્ટીટયૂટમાં જે દર્દીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂરિયાત ન હોય તેવા દર્દીઓને પણ માત્ર નાણાં માટે, માનવતા નેવે મૂકી, ડો. પાર્શ્વ વોરાએ જે રીતે ‘વેતરી’ નાંખ્યા અને તે પૈકી અમુક દર્દીઓના મોત નીપજયાની વિગતો પણ ચર્ચાઓમાં આવી જતાં માત્ર હાલારમાં જ નહીં, સમગ્ર રાજ્યમાં આ ‘હોસ્પિટલ’ બદનામી મેળવી રહી છે. મેનેજમેન્ટ ડેમેજ કંટ્રોલ માટે કવાયત કરે છે પરંતુ એમ દેખાઈ રહ્યું છે કે, કંટ્રોલ ન થઈ શકે એવું ડેમેજ થઈ ગયું.
-આ હોસ્પિટલની ફેરનોંધણી અંગે સત્તાવાળાઓ શું કહે છે ?..
ડો. પાર્શ્વ વોરાએ 24 ઓક્ટોબરની તારીખવાળો એક પત્ર જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં 4 નવેમ્બરે દાખલ કરાવી એવી લાગણીઓ અને માંગણીઓ કરી કે, આ હોસ્પિટલને નવેસરથી PMJAY યોજનામાં નોંધણી કરી આપવામાં આવે એ માટે હું બધો જ સહયોગ આપવા રાજી છું. આ સાથે ડો. પાર્શ્વ વોરાએ હોસ્પિટલ મેનેજમેન્ટને લખી આપેલું માફીનામું પણ વાયરલ થયું છે.
આ હોસ્પિટલની ફેરનોંધણી સંબંધે ઈન્ચાર્જ MoH ડો. મોહમ્મદ જિલાનીએ આજે બપોરે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું: સામાન્ય રીતે આ પ્રકારના કેસમાં હોસ્પિટલના તમામ ડોક્યુમેન્ટ તપાસવામાં આવે, પછી કમિટી ભલામણ માટે ચર્ચા વિચારણા કરે, પછી હોસ્પિટલનું ઈન્સ્પેક્શન કરવામાં આવે અને ત્યારબાદ આ અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલવામાં આવે, ત્યાંથી નિર્ણય લેવાય કે, સંબંધિત હોસ્પિટલને ફેરનોંધણી માટે લાયક ગણવી કે કેમ ? આ અંગે ડો. જિલાનીએ વધુમાં ઉમેર્યું કે, આ કેસમાં અમો દ્વારા મોકલવામાં આવેલાં રિપોર્ટ પરથી એમ માની શકાય કે, આ પ્રકારના કેસમાં સામાન્યત: રાજ્ય સરકાર ફેરનોંધણીની મંજૂરી આપવાનું ટાળતી હોય છે. જો કે આખરી નિર્ણય ગાંધીનગરથી આવતો હોય છે.


