Mysamachar.in-
કોઈ પણ કેસમાં આરોપી કે આરોપીઓની ધરપકડ થવી, ન થવી અથવા વિલંબથી અથવા ગૂપચૂપ રીતે ધરપકડ થવી- આ બધી જ બાબતો અસંખ્ય મામલાઓમાં ચર્ચાઓનો વિષય બનતી રહે છે, એ સ્થિતિઓ વચ્ચે સુપ્રિમ કોર્ટે ધરપકડ અને રિમાન્ડ અંગે જે કહ્યું છે તે જાણકારીઓ રસપ્રદ છે.
સુપ્રિમ કોર્ટે એક મામલામાં એમ કહ્યું કે, આરોપીને તેની ધરપકડનું કારણ ન જણાવવું એ તેના જિવન જિવવાના અધિકાર અને તેની વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો ભંગ છે. કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં આવે એ સમયે પોલીસે અથવા અન્ય એજન્સીએ એ આરોપીને તેની ધરપકડ ક્યા કારણસર કરવામાં આવી તે બાબત લેખિતમાં આપવાની રહેશે. આ પ્રોસેસ પોલીસ સહિતની બધી જ એજન્સીઓ માટે ફરજિયાત છે.
મુખ્ય ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસિહની બેન્ચે આ મામલામાં જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને તેને સમજાય એવી ભાષામાં લેખિતમાં ધરપકડનું કારણ ધરપકડ કર્યા પહેલાં આપવું ફરજિયાત છે. અને જે કેસમાં આ પ્રક્રિયાઓ કરવામાં નહીં આવી હોય, તે કિસ્સામાં ધરપકડ અને ધરપકડ બાદ જો રિમાન્ડ મેળવવામાં આવ્યા હોય તો આ રિમાન્ડ પણ ગેરકાયદેસર લેખવામાં આવશે.
સુપ્રિમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી કે, જો ઈમરજન્સી કેસ સમયે આરોપીની ધરપકડ કરતી વખતે લેખિતમાં ધરપકડનું કારણ જણાવી શકાયું ન હોય તો, આરોપીને રિમાન્ડની માંગણી સાથે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે તેના ઓછામાં ઓછા બે કલાક અગાઉ આરોપીને ધરપકડનું કારણ લેખિતમાં જણાવવાનું રહેશે. સુપ્રિમ કોર્ટે આ તમામ સ્પષ્ટતાઓ મુંબઈના 2024ના એક હીટ એન્ડ રન કેસ દરમ્યાન કરી. આ સમયે આ પ્રકારની જેટલી અપીલ સુપ્રિમ કોર્ટ સમક્ષ હતી તે તમામ અપીલની સુનાવણીઓ પણ આ સાથે જ કરી દેવામાં આવી.





