Mysamachar.in-જામનગર:
GST ચોરી અને બોગસ બિલિંગ કૌભાંડ જામનગર સહિત કોઈ પણ શહેર માટે નવી વાત નથી, હજારો ઉદ્યોગકારો આ વહેતી ગંગામાં છેલ્લા 7-7 વર્ષથી હાથ ધોઈ પૂણ્ય કમાઈ રહ્યા છે. સમયાંતરે એકાદ બે કેસ જાહેર કરી, તંત્ર કામ કરે છે એવા દેખાડા થતાં હોય છે- દારૂ,જૂગારના કેસોની માફક.
તાજેતરમાં જામનગરનો આવો વધુ એક કેસ, અમદાવાદથી જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં પરાગ નાથાલાલ હરિયા નામના એક ઉદ્યોગપતિની ધરપકડ થઈ છે. જે NS ઈમ્પેક્સ નામની આયાત નિકાસ કરતી કંપનીનો માલિક હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સે આચરેલું બોગસ બિલિંગ કૌભાંડ રૂ. 400 કરોડથી વધુ રકમનું હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સ બોગસ બિલ લેતો પણ હતો અને આપતો પણ હતો ( આ લેતીદેતીઓ કઈ-કઈ પાર્ટીઓ સાથે થઈ છે? એ બહાર આવશે?!). આ શખ્સે આ કૌભાંડ આચરી રૂ. 67થી 68 કરોડ જેવડી રકમ સરકારની તિજોરીમાંથી સેરવી લીધી છે !!
આ દરોડા અને ધરપકડની કાર્યવાહીઓ અમદાવાદ CGST ટીમે કરી છે. જામનગર અને રાજકોટની કચેરીઓ આ શખ્સ પર નજર રાખતી ન હતી ?! આ શખ્સે મહારાષ્ટ્ર તથા ચેન્નઇ ખાતે ખેલ પાડ્યા હોવાનું બહાર આવ્યું છે. ધરપકડ બાદ આ શખ્સને અદાલતમાં રજૂ કરવામાં આવેલો, અદાલતે આ શખ્સને 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી દીધો છે.
પરાગ હરિયાની ધરપકડ અમદાવાદની ટીમે રાજકોટથી કરી હોવાનુ જાહેર થયું છે. આ ઉદ્યોગપતિ પિતળ અને તાંબાના ભંગારના બિઝનેસ સાથે સંકળાયેલો છે અને ભૂતકાળમાં વેટચોરી કૌભાંડમાં પણ તેનું નામ ચમકયું હતું એમ વર્તુળો કહે છે. CGST સૂત્ર કહે છે, આ શખ્સને ઓછામાં ઓછું 60 દિવસ સુધી કસ્ટડીમાં રહેવું પડશે.