Mysamachar.in-
જામનગર સહિતની મહાનગરપાલિકાઓમાં અને રાજ્યભરમાં વર્ષ 2026માં ચૂંટણીઓ યોજાશે. એ માટે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બેઠકો માટેના રોટેશન પણ જાહેર થઈ ગયા છે અને એ મુજબ ‘ભરત’ ભરવા રાજકીય પક્ષો અને નેતાઓ દાવ ગોઠવી રહ્યા છે. તે દરમ્યાન એક વાત એ પણ છે કે, ઓબીસી અનામત મામલો હાલ વડી અદાલતમાં પેન્ડિંગ છે.
વડી અદાલતમાં જાહેર હિતની એક અરજી થયેલી છે. અરજદારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કરીને જાહેર કરવામાં આવેલા રોટેશનને કાનૂની પડકાર આપ્યો હતો પરંતુ અદાલતે આ માંગ ફગાવી, અરજી રદ્દ કરી નાંખી છે. આ માટે ટેક્નિકલ કારણ જાહેર કરવામાં આવ્યું છે.
બીજી તરફ..અદાલતે એમ પણ કહ્યું છે કે, અરજદાર ધારે તો પોતાની મૂળ અરજીમાં સુધારો કરી શકે છે. મૂળ અરજી જાહેર હિતની અરજી તરીકે દાખલ થયેલી છે. મહેસાણાના નિવૃત પ્રિન્સિપાલ અને ઓબીસી વર્ગના પુથુજી ઠાકોર દ્વારા જાહેર હિતની આ અરજી દાખલ થયેલી છે. જે અદાલતમાં હાલ પેન્ડિંગ છે. અને આ PIL સંબંધે વડી અદાલતે ગુજરાત સરકાર અને રાજ્ય ચૂંટણીપંચને નોટિસ પણ મોકલાવેલી છે.
વડી અદાલતે આ મામલામાં એમ પણ નોંધ કરી છે કે, 27 ટકા ઓબીસી અનામત મામલે ઝવેરી કમિશને રાજ્ય સરકારને રિપોર્ટ સોંપીને જે ભલામણો કરેલી છે, તે ભલામણો (સરકાર માટે) માર્ગદર્શક હોય શકે છે, બંધનકર્તા નહીં. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સરકારે આ રિપોર્ટની વિગતો વિલંબથી જાહેર કરી હતી અને એ પણ ઉહાપોહ મચી ગયા પછી વિગતો બહાર આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ જાહેર હિતની અરજીમાં એમ કહેવાયું છે કે, જે રીતે સરકારી નોકરીઓમાં અનામત લાગુ કરવામાં આવે છે, તે રીતે રાજકીય પ્રતિનિધિત્વ માટેની વ્યવસ્થાઓમાં ‘અધર બેકવર્ડ ક્લાસ’ એટલે કે ઓબીસી માટે અનામત વ્યવસ્થાઓ વ્યાખ્યાયિત કરી શકાય નહીં.
આ ઉપરાંત આ જાહેર હિતની અરજીમાં એમ પણ કહેવાયું છે કે, ઝવેરી કમિશનની રચના રાજકીય પ્રતિનિધિત્વ માટે જાતિઓની ઓળખ કરવા અને એ સંબંધિત આંકડાઓ મેળવવા માટે કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારની કેબિનેટ સબ-કમિટીએ કથિત રીતે કમિશનના સૂચનો કે સુપ્રિમ કોર્ટના ‘ટ્રિપલ ટેસ્ટ’ના નિર્દેશોનું પાલન કર્યા વગર જ યુનિફોર્મ એટલે કે એકસમાન 27 ટકા ઓબીસી અનામત લાગુ કરી દીધું છે. આ સંબંધે વડી અદાલતે સરકાર અને ચૂંટણીપંચને નોટિસ પાઠવી છે. આ બંને પૈકી એક પણ પક્ષકારે આ નોટિસનો જવાબ આપ્યો નથી.





