Mysamachar.in-ગાંધીનગર:
રૂ. 10,000 કરોડની રકમ મનભાવન છે. સૌ રાજીના રેડ થઈ ગયા. અહા..આટલાં બધાં મીંડા ?! અને એ પણ એકડા પછી આટલાં મીંડા. પરંતુ રેકર્ડ પરની હકીકત એ છે કે, એક પણ ખેડૂતને રૂ. 44,000થી વધુ એક પણ રૂપિયો સહાય તરીકે આપવામાં આવશે નહીં. અને, ખેડૂતે આ ધોવાણ થયેલાં પાકો પાછળ કરેલો ખર્ચ અને વેઠેલી મજૂરી- આ 44,000માંથી બાદ કરી નાંખવાના, બાકી જે વધે એ ખેડૂતનો નફો ! ખેડૂત મોંઘુદાટ સોનું ખરીદી શકશે, એવી પણ મજાક સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર થઈ રહી છે.
હવે આ આખા વિષયના આંકડા જૂઓ : બિનસતાવાર રીતે એમ જાહેર થયું કે, 42 લાખ હેક્ટર કરતાં વધુ જમીન પરના પાકને કમોસમી વરસાદથી નુકસાન થયું. બીજે ક્યાંક એમ પણ લખાયું કે, 42 લાખ ખેડૂતને નુકસાન થયું. કોઈએ વળી એમ કહ્યું કે, 31 લાખ હેક્ટર જમીનમાં ઉભેલા પાકોને નુકસાન થયું. આ બધાં જ આંકડાનો સહાય પેકેજ સાથે હિસાબ કરો તો ગણિતનો જવાબ એ છે કે, એક એક ખેડૂતને રૂ. 46,000થી માંડીને રૂ. 64,000 સુધીની સહાય મળી શકે.
બીજી તરફ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, દરેક ખેડૂતને રૂ. 22,000 પ્રતિ હેક્ટર, બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. મતલબ, એક પણ ખેડૂતને રૂ.44,000થી વધુ સહાય મળશે નહીં. સૌની જાણ ખાતર, કમોસમી વરસાદથી રાજયમાં કેટલાં ખેડૂતોને થયું એ આંકડો સરકારે જાહેર કર્યો નથી. રાજ્યમાં કેટલાં હેક્ટર જમીન પરના પાકોને નુકસાન થયું એ આંકડો પણ સરકારે જાહેર કર્યો નથી.
સૂત્રના જણાવ્યા અનુસાર, એક એક ખેડૂતે વિવિધ પાકો લેવા વિઘે રૂ. 13થી 17 હજારનો બિયારણ વગેરેનો ખર્ચ કર્યો. રાતદિવસ ઉજાગરા કરી ઘર આખાએ મહેનત કરી અથવા ખેતમજૂરી ચૂકવી. તેની સામે ખેડૂતને વિઘે રૂ. 3,520 મળશે. બીજું SDRF માંથી રૂ. 6,426 કરોડ અને રાજ્યના બજેટમાંથી રૂ. 3,386 કરોડ આ કામ માટે સરકાર લેશે. આ હિસાબ કરો તો રાહત સહાય પેકેજ રૂ. 9,812 કરોડ થાય. અને પેકેજ જાહેર થયું રૂ. 10,000 કરોડનું- એમાં પણ રૂ. 188 કરોડનો તફાવત છે. ટૂંકમાં, આ આખા વિષયમાં સરકારે મહત્વપૂર્ણ આંકડાઓ જાહેર કર્યા નથી. સૌએ પોતાની રીતે જાહેર કરેલાં આંકડાઓ અલગઅલગ છે. જો કે આ સ્થિતિઓ વચ્ચે પણ સૌ ખેડૂત ખુશ છે !!


