Mysamachar,in-ગાંધીનગર:
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ અને આ જગ્યાઓ પર વિવિધ કેડરના શિક્ષક-સહાયકોની ભરતીઓનો મામલો, કાયમ ચર્ચાઓમાં રહે છે. શિક્ષણ વિભાગ બધાંની સીધી લીટી દોરતાં શીખવાડે છે, પણ આ વિભાગમાં એકેય કામ ‘સીધી લીટી’ના હોતાં નથી. સરકારની આ નીતિઓ વિરુદ્ધ શિક્ષકોએ હજારો વખત આંદોલન પણ કર્યા છે.
વધુ એક વખત શિક્ષણ વિભાગમાં નવી વાત શરૂ થઈ છે ! હાલમાં શિક્ષણ વિભાગે શાળાઓને એવો આદેશ કર્યો કે, તમારી શાળામાં કેટલાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, 18 નવેમ્બરની સાંજ સુધીમાં વિગતો આપો. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ શિક્ષકો SIR કામગીરીઓમાં વ્યસ્ત છે.
બીજી એક વાત એ છે કે, શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગતો મેળવી લીધાં બાદ સરકાર આ ખાલી જગ્યાઓ પર જ્ઞાનસહાયકોની ભરતીઓ કરવા ચાહે છે અને એ રીતે ખાલી જગ્યાઓ ભરવા કે આ ખાલી જગ્યાઓની સંખ્યા ઘટાડવા પ્રયાસ થશે. આ કારણથી વિદ્યાસહાયકોની ભરતીની રાહ જોઈ રહેલાં ઉમેદવારો એમ વિચારી રહ્યા છે કે, TET અને TAT પાસ કરેલાં ઉમેદવારોએ હાલ ભરતીઓ બાબતે નાહી નાંખવાનું ?!
આ સમગ્ર વિષય સંબંધે આજે સવારે Mysamachar.in દ્વારા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સાથે વાત કરવામાં આવી. એમના જણાવ્યા અનુસાર, હાલ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓનો પ્રશ્ન હળવો કરવા, હાલ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતીની વચગાળાની વ્યવસ્થાઓ ગોઠવાઈ હોય તેવું જણાય છે, શિક્ષણ વિભાગે હાલ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માત્ર માહિતીઓ જ માંગી છે. આ વિગતો 2 દિવસમાં સરકારમાં મોકલવાની છે.(file image)





