Mysamachar.in-જામનગર:
ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) તથા ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) તેમજ જિલ્લા વહીવટી તંત્ર જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા આવતીકાલ તારીખ 21 નવેમ્બરના રોજ રિલાયન્સ રિફાઇનરી ખાતે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2019 પછી આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની ડ્રિલ જામનગર ખાતે યોજાવા જઈ રહી છે. આ મોકડ્રિલ રિલાયન્સ રિફાઈનરીના ટેન્ક ફાર્મમાં આગ લાગવાની સ્થિતિને અનુલક્ષીને યોજવામાં આવશે.
આ મોકડ્રિલના આયોજન માટે જિલ્લા કલેકટર કેતન ઠક્કર, દિલ્હીથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી આદિત્યકુમાર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈની, સેનાના અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.
આ અંગે જિલ્લા કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું કે આ મોકડ્રિલ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વહીવટીતંત્રની કોઈપણ પ્રકારની ડિઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતાની કસોટી કરી તેની તૈયારીઓ અંગેની સમીક્ષા કરવામાં આવશે. આ અંગેની સમીક્ષા કરવા દિલ્હી સ્થિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારી આદિત્યકુમાર તથા તેમની ટીમ પણ જામનગર ખાતે આવી પહોંચી છે અને સમગ્ર ડ્રિલનું સંકલન તથા સંચાલન કરી રહી છે. આ ડ્રિલમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારના તમામ સંબંધિત વિભાગો, સેનાની ત્રણેય પાંખ તેમજ કોસ્ટ ગાર્ડ સહિતની તમામ ઓથોરિટી સક્રિયપણે જોડાશે.જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા આ મોકડ્રિલના આયોજન સબંધે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર કેતન ઠક્કરે અંતમાં વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી દિવસોમાં જિલ્લાના નાગરિકોના હિત માટે કોઈપણ પ્રકારના ડિઝાસ્ટરને પહોંચી વળવાની કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર સક્ષમ છે અને સુપેરે કામગીરી કરવા માટે કટિબદ્ધ છે.


