Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યમાં પિવાના પાણીની ક્વોલિટી સંબંધે સરકાર ઉચાટમાં છે કારણ કે, પાટનગરમાં જ તંત્ર ઉંઘતુ ઝડપાઈ ગયું છે. ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે.દરમ્યાન, મુખ્યમંત્રીની સૂચના અને અગ્રસચિવની વીડિયો કોન્ફરન્સના અનુસંધાને, જામનગર મહાનગરપાલિકામાં પણ કમિશનરના અધ્યક્ષસ્થાને, ઓફીસ કોન્ફરન્સ રૂમમાં પાણી બાબતે એક બેઠક યોજાઈ ગઈ.
આ બેઠકમાં પાણી તથા ભૂગર્ભ ગટર વિભાગના બધાં જ ઈજનેરોને હાજર રાખવામાં આવ્યા હતાં. આ બેઠકમાં કહેવાયું કે, શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે તથા અગમચેતીના પગલાંરૂપે દરેક વોર્ડમાં પાણીનું સુપર કલોરીનેશન જળવાઈ રહે એ માટે, દરેક ફિલ્ટર પ્લાન્ટ, ESR તથા ખાસ કરીને પાણી વિતરણ થતાં વિસ્તારોમાંથી સેમ્પલ લેવાની પ્રોસેસ સઘન બનાવવી.
આ ઉપરાંત કમિશનરે બેઠકમાં એમ કહ્યું કે, શહેરના છેવાડાના તમામ વિસ્તારો સુધીના પાણીનું કલોરીનેશન થાય તે ખાસ જોવું. જે વિસ્તારોમાં દૂષિત પાણી સંબંધે ફરિયાદો આવે ત્યાં માઈક્રો પ્લાનિંગ કરવું. ભૂગર્ભ ગટર વિભાગ સાથે સંકલન કરવું. સ્થળ પર રૂબરૂ જવું અને ફરિયાદનો તાત્કાલિક નિકાલ કરવો. પાણીની પાઈપલાઈન લીકેજ હોય તો તાકીદે સમારકામ કરવું.
આ ઉપરાંત શહેરમાં ચાલતાં જુદાજુદા પ્રોજેક્ટ દરમ્યાન જે ખોદકામ થતું હોય તેને કારણે જો પાણીની પાઈપલાઈન લીકેજ થઈ હોય તો, ઝોનલ ઓફિસર હસ્તક તાત્કાલિક રીપેર કરાવવી. આ સાથે જ બેઠક બાદ જાહેર કરવામાં આવ્યું કે, નગરજનોને પાણી સંબંધે કોઈ તકલીફ કે ફરિયાદ હોય તો ઓનલાઈન મોડયુલ 18002330131 પર ફોન કરી નગરજનો મહાનગરપાલિકાની મદદ મેળવી શકશે.
























































