Mysamachar.in-સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર મેડિકલ કોલેજના સ્ટુડન્ટ સેક્શનમા ફરજ બજાવતો ક્લાર્ક લાંચ માંગણી કરવાના મામલામાં તપાસના અંતે આજે ગુન્હો નોંધાયો છે, મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને બે વિષયમાં ઓછા માર્કસ આવેલા વિદ્યાર્થીને માર્કસ વધારી દેવા માટે કલાર્કે લાંચની માંગણી કર્યાના ઓડિયો,વિડિયો રેકોર્ડિંગના પૂરાવાની ચકાસણી બાદ એસીબી સુરેન્દ્રનગરના પીઆઇએ ક્લાર્ક સામે લાંચની માંગણીનો આજે ગુન્હો દાખલ કર્યો છે.
સુરેન્દ્રનગર ખાતે આવેલ સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં MBBS ના થર્ડ ઇયર પાર્ટ-૨ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને પરિક્ષામાં બે વિષયમાં ઓછા માર્કસ આવ્યા હતા.જેના માટે વિધાર્થીએ કોલેજના સ્ટુડન્ટ સેકશનના ક્લાર્ક નિમીશ મકવાણાનો સંપર્ક કર્યો હતો. જેના માટે નિમેશ મકવાણાએ રૂપિયા ૨.૫૦ લાખની લાંચની માંગણી કરી હતી. વિધાર્થીએ પણ ચાલાકી વાપરી અને લાંચની માંગણી કરનાર ક્લાર્કનું વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું લાંચ આપવી ન હોવાથી વિદ્યાર્થિએ એસીબી, સુરેન્દ્રનગરમાં ફરિયાદ આપી હતી અને રેકોર્ડિંગના પૂરાવા રજૂ કર્યા હતા.
જેની તપાસ એસીબી દ્વારા શરૂ કરવામાં આવી હતી,અને તપાસના અંતે ક્લાર્કે રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના અંગત લાભ માટે લાંચની માંગણી કર્યાનું ફલિત થતું હોવાથી એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગર્દશન હેઠળ સુરેન્દ્રનગરના પીઆઇ ઝાકીરહુશેન ચૌહાણએ સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સ્ટુડન્ટ સેક્શનમાં ક્લાર્ક નિમેશ કીરીટભાઇ મકવાણા સામે રૂપિયા ૨.૫૦ લાખની માંગણીનો ગુનો દાખલ કરતાં આ મામલા એ રાજ્યના મેડીકલક્ષેત્ર મા સારી એવી ચકચાર જગાવી દીધી છે.