Mysamachar.in-બનાસકાંઠાઃ
રાજ્યમાં સૌથી સુરક્ષીત સ્થળ પોલીસ સ્ટેશન માનવામાં આવે છે, અહીં ફરજ બજાવતા ઓફિસરો રક્ષકનું કામ કરે છે, પરંતુ રક્ષક ખુદ અસુરક્ષીત હોય તેવી ઘટના સામે આવી છે, પાલનપુરના દિયોદર પોલીસ સ્ટેશનમાં એક લુખ્ખાતત્વ દ્વારા દાદાગીરી કરી કોન્સ્ટેબલ પર છરીથી હુમલો કર્યો, એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં જઇને યુવકે PSIને ધમકી આપી કે એક દિવસમાં ફોન આપી દેજો નહીં તો એકાદ પોલીસવાળો જાનથી હાથ ધોઇ બેસશે. પોલીસ સ્ટેશનમાં યુવકની દાદાગીરીથી સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે, બીજી બાજુ પોલીસને ધમકીથી કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યાં છે.
બનાવની વિગત એવી છે કે પોલીસ સ્ટેશનમાં વીડિયોગ્રાફી કરવા બાબતે IT એક્ટના ગુનામાં ભરત વ્યાસ નામના યુવકનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો. એક દિવસ બાદ ભરત હાથમાં છરી લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને અહીં ફરજ બજાવતા PSIની ચેમ્બરમાં ઘૂસી ધમકી આપી કે એક દિવસની મુદ્દત આપું છું, મારો મોબાઇલ મને પરત નહીં આપો તો એકાદ પોલીસવાળો જાનથી હાથ ધોઇ બેસશે. ધમકી આપ્યા બાદ ભરત જાહેર રસ્તા પર ખુલ્લેઆમ છરી હુલાવી ફરી રહ્યો હતો, જે જોઇ લોકોમાં ભય ફેલાયો હતો. આ દરમિયાન કોન્સ્ટેબલે રોકવાનો પ્રયાસ કરતાં ભરતે તેમના પર હુમલો કર્યો હતો. જેમાં તેઓ ઘાયલ થયા હતા. આ બાબતે કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં પોલીસને જ ધમકી આપવાની વાતથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઉઠ્યા છે.