Mysamachar.in-સુરત:
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલાક કિસ્સાઓમાં પોલીસ જ દારૂબંધીનો ફાયદો ઉઠાવીને મોટી રકમના તોડ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, એવામાં પોલીસ સબ ઇન્સ્પેકટર અને વચેટીયો ઝડપાયો છે.સુરતના પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા જયદિપસિંહ હસમુખસિંહ રાજપુત, અને જીયાઉદ્દીન અબુલરહીમ સૈયદ ઉર્ફે જીવાભાઇ, (ખાનગી વ્યક્તિ) બન્નેને લાંચ એક લાખ ત્રીસ હજારની લાંચ લેતા ઝડપાયા છે.
આ કેસના ફરીયાદી ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સનો ઘંધો કરે છે. પુણા પોલીસ સ્ટેશનમાં લક્ઝરી બસમાં દારૂ મળી આવતા કેસ દાખલ થયેલ હતો. આ કામના જયદિપસિંહ હસમુખસિંહ રાજપુતએ ફરીયાદીને પોલીસ સ્ટેશન બોલાવી દારુના કેસમાં તેનું નામ આવે છે તેમ કહી ધમકાવેલ અને ટ્રાવેલ્સના માલીકનું નામ આપવા જણાવેલ. જેથી ફરીયાદીએ ટ્રાવેલ્સના માલીકનું નામ આપતા, જયદિપસિંહ હસમુખસિંહ રાજપુત પીએસઆઈએ દારૂના કેસમાં ટ્રાવેલ્સના માલિકનું નામ દાખલ ના કરવા ફરીયાદી પાસે રૂપિયા પાંચ લાખ ની લાંચની માંગણી કરેલ. ત્યારબાદ રકઝકના અંતે છેલ્લે રૂપિયા ત્રણ લાખ આપવાના નક્કી થયેલ. ફરીયાદીએ ટ્રાવેલ્સના માલિકને આ અંગે વાત કરતા ટ્રાવેલ્સના માલિકે રૂપિયા એક લાખ સીતેર હજાર ફરીયાદીને મોકલાવેલ. જે રૂપિયા એક લાખ સીતેર હજાર જીયાઉદ્દીન અબુલરહીમ સૈયદ ઉર્ફે જીવાભાઇના પીએસઆઈ વતી સ્વીકારેલ. ત્યારબાદ પીએસઆઈએ બાકીના રૂપિયા એક લાખ ત્રીસ હજાર ની માંગણી કરેલ.
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતાં ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા, આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂપિયા એક લાખ ત્રીસ હજારની લાંચની રકમ પીએસઆઈના કહેવાથી આરોપી વચેટીયાએ સ્વીકારી એકબીજાની મદદગારી કરી પકડાઈ જતા એસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.