Mysamachar.in:જામનગર:
સમગ્ર રાજ્યમાં ખાસ કરીને શહેર અને જિલ્લાઓની ઔદ્યોગિક વસાહતોમાં બેફામ પ્રદૂષણનો મામલો સૌ જાણે છે, હજારો લોકો શ્વસનતંત્રને લગતાં રોગો સહિતના વિવિધ રોગોથી પિડાતા રહે છે, લોકોના મોત પણ થઈ રહ્યા છે. આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે જામનગરમાં આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીએ એવી જાહેરાત કરી છે કે, જામનગરની હવા સો ટકા શુદ્ધ છે. જો કે, આ દાવા અંગે ઔદ્યોગિક વિસ્તારોના લોકો શું માને છે, એ મહત્વપૂર્ણ બાબત છે.
Mysamachar.in દ્વારા જામનગર શહેરની એર કવોલિટી અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મુખ્ય અધિકારી જી.બી.ભટ્ટનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ પ્રશ્ન સામે આવતાં જ તેઓ ગભરાટ અનુભવવા માંડ્યા હતાં. તેઓ પાસે પર્યાપ્ત વિગતો પણ નથી અને તેઓ એર કવોલિટી અંગે ગોળગોળ વારતાઓ કરી રહ્યા છે.
બહુ જ લાંબી પૂછપરછ બાદ આ અધિકારીએ સ્વીકાર કર્યો કે, શહેરના એક માત્ર રામેશ્વર નગર વિસ્તારમાં હવાનું પ્રદૂષણ ચકાસવા દર મહિને હવાનું સેમ્પલ લેવામાં આવે છે અને તેનું એનાલિસિસ જણાવે છે કે, જામનગરની હવા માણસની જિંદગીઓ માટે જોખમી નથી. આ અધિકારીએ આવો દાવો કર્યો છે.
રામેશ્વર નગર ઔદ્યોગિક વિસ્તાર નથી, આથી ત્યાંની હવામાં જોખમી અને ઝેરી રજકણો ન હોય, એ આપણે સ્વીકારી શકીએ પરંતુ શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં શું સ્થિતિઓ છે, એ ખૂબ જ ચોકસાઈથી પૂછ્યા બાદ આ અધિકારીએ કમને સ્વીકાર કર્યો કે, આ કચેરી દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાંથી પણ હવાના સેમ્પલ લે છે. જો કે, આ અધિકારીએ એમાં પણ એવો દાવો કર્યો છે કે, દરેડ ઔદ્યોગિક વસાહતની હવા પણ ‘સલામત’ છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, શહેરના ગાંધીનગર વિસ્તારમાં કચરામાંથી વીજળી બનાવવાનો ખાનગી કંપનીનો પ્લાન્ટ છે. જેની દુર્ગંધ હજારો લોકોના નાક ફાડી નાંખે છે, લોકોના ફેફસામાં દૂષિત હવા ઠલવાઈ રહી છે, આમ છતાં આ અધિકારી એવો બચાવ કરી રહ્યા છે કે, દુર્ગંધ માપવા દુનિયામાં કયાંય, કોઈ જ વ્યવસ્થાઓ નથી.