Mysamachar.in-જામનગર:
સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર જામનગરમાં રૂ. 226.99 કરોડના ખર્ચથી નિર્માણ પામી ચૂક્યો છે, જેનું લોકાર્પણ આગામી સોમવારે CMના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે, ગઈકાલે શુક્રવારે કન્સલ્ટન્ટ કંપનીએ મહાનગરપાલિકાને લેખિતમાં આ નિર્માણની સેવા-સુરક્ષા, કાર્યક્ષમતા અને સ્થિરતા બાબતે બાંહેધરી આપી દીધી છે અને કહ્યું છે કે, આ સંબંધે કોઈ ચિંતાઓ કરવાની રહેતી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ ફ્લાયઓવરનું નિર્માણ અને ફિનિશિંગ યોગ્ય રીતે થયું નથી એવો વિપક્ષનો આક્ષેપ છે, જેનો આ લેખિત બાંહેધરીથી છેદ ઉડી જાય છે. કન્સલ્ટન્ટ કંપની Casad pvt.ltd.ના નિષ્ણાંત મંથન સોલંકીના નામથી આ લેખિત ખાતરી આપવામાં આવી છે, જે JMCના સિટી ઈજનેરને પાઠવવામાં આવી છે.
આ લેખિત ખાતરીમાં જણાવાયું છે કે, બ્રિજના એકસ્પાનશન જોઈન્ટ ગેપ અંગે જે શંકાઓ ઉપજાવવામાં આવી છે, તે અંગેનું આ ટેક્નિકલ સ્પષ્ટીકરણ છે. આ એકસ્પાનશન જોઈન્ટ ગેપનું મુખ્ય કાર્ય તાપમાન પરિવર્તન, શ્રિન્કેજ, ક્રિપ તેમજ વાહનભારના અસરકારક ટ્રાન્સફર દરમ્યાન pre cast concrete slab વચ્ચે ઉપજતા લોન્ગિટ્યૂડિનલ મૂવમેન્ટને શોષી લેવાનું છે. તે મુજબ આ ગેપનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને તેના નિષ્કર્ષ અત્રે પ્રસ્તુત છે.
નિષ્કર્ષમાં જણાવાયું છે કે, નિર્માણ સમયે તેમજ ડિઝાઈનના નિયમો અનુસાર આ પ્રકારના જોઈન્ટ માટે ઋતુ પરિવર્તનને ધ્યાનમાં લઈ મિનિમમ અને મેક્સિમમ મૂવમેન્ટ રેન્જ નક્કી કરવામાં આવેલી હોય છે. હાલમાં જોવાયેલાં ગેપ આ ડિઝાઈન મૂવમેન્ટ રેન્જની સ્વીકાર્ય મર્યાદામાં આવે છે. નિરીક્ષણ દરમ્યાન કોઈ પણ પ્રકારની સ્ટ્રક્ચરલ ડિસટ્રેસ, બેરિંગ મિસએલાયમેન્ટ, સ્લેબ ક્રેકસ અથવા અન્યો અસામાન્ય ચિહ્નો જોવા મળેલાં નથી.
આ સ્પષ્ટતામાં વધુમાં જણાવાયું છે કે, વર્તમાન ગેપ ડિઝાઈન નિયમો સાથે સુસંગત અને ફંકશનલ રીતે સલામત અને સેવા-સક્ષમ છે. બ્રિજના સ્પેન લોડનું ટેસ્ટિંગ IRC માર્ગદર્શિકા મુજબ કરવામાં આવ્યું હતું.લોડ ટેસ્ટના પરિણામો મુજબ, ડિફલેકશન અને સ્ટ્રેઈન રિડિંગ ડિઝાઈન મર્યાદામાં આવેલ છે. રિકવરી રેટ 97 ટકા પ્રાપ્ત થયેલો છે. જે IRC દ્વારા નક્કી કરાયેલી સ્વીકાર્ય મર્યાદા કરતાં વધુ ઉતમ છે. રિકવરી રેટ 90 ટકાથી વધુ હોય તો સંતોષકારક માનવામાં આવે છે. ત્યારે 97 ટકાનું પરિણામ સ્ટ્રક્ચરલ પર્ફોમન્સ ઉતમ અને સુરક્ષિત સૂચવે છે.
આ લેખિત ખાતરીના અંતમાં કહેવાયું છે કે, બ્રિજની કાર્યક્ષમતા, સ્થિરતા, અને સેવા-સુરક્ષા બાબતે કોઈ ચિંતાઓ કરવાની રહેતી નથી. એકસ્પાનશન જોઈન્ટ ગેપ ડિઝાઈન મર્યાદામાં છે અને બ્રિજના લોડ ટેસ્ટ પરિણામ સંતોષકારક છે. સ્ટ્રક્ચરમાં કોઈ અવ્યવસ્થા અથવા જોખમજનક પરિસ્થિતિઓ જોવા મળતી નથી. આ માટે વધુ વિગતો કે સ્પષ્ટીકરણની જરૂર પડશે ત્યારે કંપની ઉપલબ્ધ છે.





