Mysamachar.in-જામનગર:
ટેકનોલોજીના ઉપયોગની સાથે સાથે દુરુપયોગ કરનાર ઈસમોની સંખ્યા પણ વધી રહી છે, એવામાં જામનગર સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝા સહિતની ટીમ ફેક વેબસાઇટ બનાવી સરકારી ભરતીની ખોટી જાહેરાત આપતી ગેંગને પકડી પાડવા માટે કામે લાગેલા હતા જેમાં થોડા સમય પહેલા જામનગર ડિસ્ટ્રિક કોર્ટમા ધોરણ 8, 10 અને 12 પાસ ઉમેદવારો માટે ચોકીદાર, ડ્રાઈવર, પ્યુન, વોચમેન વગેરે હોદ્દા માટે ટુંક સમયમાં ભરતી બહાર પડનાર છે તેવી ખોટી જાહેરાત ચાર અલગ-અલગ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ હતી જેમાં જામનગર કોર્ટની વેબસાઇટના લીંકનો દુરુપયોગ કરેલ હોય જે માહિતી તદ્દન ખોટી હોય અને છેતરપીંડી કરવાના ઉદ્દેશથી કરાયેલ હોય એવુ પ્રતિત થતા તે બાબતની ફરીયાદ મળતા જામનગર સાયબર ક્રાઇમ પોલીસ માં આઇ.ટી.એકટ કલમ 66 સી, 66 ડી મુજબ તા.29/4/2022 ના રોજ ગુન્હો દાખલ થયેલ હતો,
જે ગુન્હા બાબતે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરેલ જેમાં વિશેષ ડોમેન એનાલીસીસ, ઇ-મેઇલ ફોરેન્સીક તેમજ ટેકનીકલ પુરાવા એકત્રીત કરી ખોટી જાહેરાત વાળી વિવિધ વેબસાઇટની માહિતી મેળવેલ તેનું એનાલીસીસ કરેલ જેમાં આરોપીઓના લોકેશન રાજસ્થાન રાજયના ઝુનઝુનુ જીલ્લાના આવતા હોય જેથી જામનગર શહેર ડી.વાય.એસ.પી જે.એસ.ચાવડા સાહેબનાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટરપી.પી.ઝા સાયબર ક્રાઇમની ટીમ સાથે રાજસ્થાન રાજ્યના ઝુનુઝુનુ જીલ્લા ખાતે રૂબરૂ તપાસમાં જઇ ગુનામાં સંડોવાયેલ શકમંદો રજનીકાન્ત સુભાષચંદ્ર કઠાનીયા, કૃષ્ણકુમાર અમરસિંધ દહીયા,રાકેશકુમાર શિશરામ માહિચ અને અજયકુમાર ઓમપ્રકાશ લાંબાને ઝડપી પાડયા છે. વધુમાં સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા વેબસાઇટ ઉપર આવતી સરકારી ભરતીની જાહેરાત વિશે ખરાઇ કરવી ત્યારબાદ જ આગળ પગલું ભરવું. વેબસાઇટ પર આવતી સરકારી ભરતીની જાહેરાત માટે ચકાસ્યા વગર એપ્લાઇ કરવા માટે નાણાકીય વ્યવહાર કોઈ અજાણી વ્યક્તિ સાથે કરવો નહિ.