Mysamachar.in-ગાંધીનગર:
ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રાજ્યના રોગચાળાની સ્થિતિ વિષે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને તાકીદ કરતાં કહ્યું હતું કે જે વિસ્તારમાં મેલેરિયા કે અન્ય દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો તેના માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. સારી કામગીરી કરનાર અધિકારીને પ્રોત્સાહન આપવામાં આવશે અને ખરાબ કામગીરી કરનાર સામે પગલાં ભરવામાં આવશે.
વધુમાં નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં સારા વરસાદથી તળાવો અને નદીઓ ભરાઈ ગયા છે. થોડા દિવસો સુધી સૂર્યપ્રકાશ ન મળે તેવી સ્થિતિ હતી. જેથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ થાય તે સ્વાભાવિક છે. હાલ વરસાદ રોકાયો છે ત્યારે મચ્છર-માખીજન્ય રોગ ન ફેલાય તે માટે અધિકારીઓને કામગીરી કરવા માટેની સૂચનાઓ કરી દેવામાં આવી છે,તો એવો પણ દાવો કરવામા આવ્યો છે કે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે મેલેરિયાના કેસમાં ૪૯%નો ઘટાડો થયો છે. અને ચિકનગુનીયા અને ડેન્ગ્યુનું પ્રમાણ પણ ગત વર્ષ કરતાં ઓછુ છે.