Mysamachar.in-જામનગર:
આજે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે કેટલીય મહિલાઓ આજના સમયમાં અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્વરૂપ હોય છે, એવા જ એક મહિલા એટલે ગુજરાતની નંબર વન ગણાતી એમ.પી.શાહ મેડીકલ મેડીકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઈ….. આજે એક મહિલાના કારણે આખો પરિવાર મેડિકલક્ષેત્રે પ્રભુત્વ ધરાવે છે, અને જેના કારણે સમાજને આરોગ્યલક્ષી સેવાનો ઉત્તમ લાભ મળી રહ્યો છે.એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી દિકરી સરકારી શાળામાં અભ્યાસ પૂર્ણ કરીને લોકોની સેવા કરવા માટે ડોક્ટર બનવાનું સપનું લઈને જામનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી MBBS બાદમાં MD Pathology ની મેડિકલ ડિગ્રી મેળવી જામનગર જી.જી હોસ્પિટલને જ પોતાની કર્મભૂમિ બનાવનાર આ મહિલા છે ડોક્ટર નંદિનીબેન દેસાઈ..
જી.જી.હોસ્પિટલના અધિક્ષક અને મેડીકલ કોલેજના ડીન આ બન્ને ખુરશી પર લગભગ કોઈ સરળતાથી બેસવા તૈયાર ના થાય તે સૌ જાણે છે, ત્યારે હસતા મોઢે ક્યારેક બેવડી જવાબદારી નિભાવી અને હોસ્પિટલ અને કોલેજ બંનેનું સુચારુ સંચાલન કરનાર ડો.નંદીની દેસાઈ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ છે. આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે સ્ત્રી પુરુષ સમોવડી બનીને દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે,ત્યારે જામનગર જી.જી.હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડન્ટ અને હાલ એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન તરીકે જવાબદારી સંભાળતા ડો. નંદિનીબેન દેસાઈ વિશે દરેક મહિલાઓએ જાણવાની ખાસ જરૂર છે,જેમાંથી કેટલીય મહિલાઓ માટે પ્રેરણા સમાયેલી છે,
કચ્છ ભુજના વતની ભરતભાઇ છાયા અને હેમાબેન બંને પતિ-પત્ની શિક્ષક હોય અને સંતાનમાં બે પુત્રીઓને પણ સારું શિક્ષણ મળે તે સ્વાભાવિક છે. છાયા દંપતીના પુત્રી નંદિનીબેન દેસાઈ ધો. ૧ થી ૮ પિતા જ્યાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તે સરકારી શાળામા અભ્યાસ કરીને ધોરણ-૯ થી ૧૨ માંડવીની ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ પૂર્ણ કરીને જામનગર એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં ૧૯૮૩ પ્રવેશ મેળવ્યો હતો અને જી.જી.હોસ્પિટલમાં જ ડોક્ટરની પદવી મેળવી અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી.હોસ્પિટલના તેવો સુપ્રિટેન્ડન્ટ રહી ચુક્યા છે, અને મેડિકલ કોલેજના ડીન તરીકે ત્રણ વર્ષ કરતા વધુ સમયથી મોટી જવાબદારી ડોક્ટર નંદિની દેસાઈ કોઈ પણ જાતના વાદવિવાદ વગર નિભાવી રહ્યા છે,
ખુબ જ મળતાવડો સ્વભાવ, અને કોઈ પણ સ્થિતિને હેન્ડલ કરવાની આવડત ને કારણે તેવો એ કેટલાય સમય સુધી હોસ્પિટલના અધિક્ષક અને ડીન તરીકે પણ ફરજ બજાવી છે. હોસ્પિટલમાં એવું સાંભળવા મળતું હોય છે કે આ એવો કાંટાળો તાજ છે જેને કોઈ માથે લેવા માંગતું નથી, પણ ડો.નંદીનીબેને હમેશા પોતાની જવાબદારી પ્રત્યે સતર્ક રહ્યા છે.એક મહિલા શિક્ષણ મેળવે તો સમાજમાં કેવું પરિણામ આવે તેનુ પ્રેરણાદાયક ઉદાહરણ ડોક્ટર નંદિનીબેન દેસાઈએ પુરુ પાડ્યું છે કેમકે માતા-પિતાના સંસ્કારોમાંથી તેઓ ડોક્ટર બન્યા બાદ તેમની બંને પુત્રીઓને પણ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરાવીને ડોક્ટર બનાવી છે, આમ એક મહિલાના કારણે આજે આખો પરિવાર ડોક્ટર બનીને સમાજને આરોગ્યની સેવા આપી રહ્યા છે.અંતે ડીન ડો. નંદિનીબેન દેસાઈ દરેક મહિલાઓને સંદેશો આપતા જણાવ્યું હતું કે શિક્ષણ ઉપરાંત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી અને જીવનમાં હકારાત્મક અભિગમ રાખવાથી દરેક કામમાં આનંદ મળે છે.