Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્યમથક ખંભાળિયા શહેર અને તાલુકો રોગચાળાના ભરડામાં આવી ચુક્યો છે. અને સ્વાભાવિક જ સફાઈ અને આરોગ્યવિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ પણ ઉઠે..એક તરફ વાદળછાયુ વાતાવરણ એક તરફ ક્યારેક નીકળતો તડકો અને સફાઈ અને આરોગ્ય વિભાગની નીરસતાને લીધે રોજના ૨૦૦૦ થી વધુ દર્દીઓ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓ થી હોસ્પિટલો ઉભરાઈ રહી છે,
વાઈરલફીવર સાથે તાવ ઝાડા ઉલટી અને ડેન્ગ્યુંના વધુ કેસો સામે આવી રહ્યા છે, અને ધીમે ધીમે ડેન્ગ્યું નો રોગચાળો વધી રહ્યાનું પણ જાણવા મળે છે, તો ખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ અને હજુ પણ ક્યારેક ક્યારેક પડી રહેલા ઝાપટાઓ ને કારણે પાણીના ખાબોચિયા લાંબા સમય સુધી ભરાયેલા રહે છે, જેની સફાઈ માટે પણ તસ્દી લેવામાં આવતી નથી, વધુમાં ખાટલે મોટી ખોટ એ છે કે સરકારી હોસ્પિટલમાં પૂરતા તબીબો સહિતનો સ્ટાફ પણ નથી, અધુરામાં પુરુ એક તબીબને ખંભાળિયા થી દ્વારકા મુકવામાં આવતા તકલીફ વધુ થઇ રહી છે,ત્યારે આરોગ્ય અને સફાઈ તંત્ર ઊંઘમાં થી ઉઠી અને લોકહિતમા કાર્યવાહી કરે તેવી લોક્માંગણી પણ આ વિસ્તારમાં થી ઊઠવા પામી છે.