Mysamachar.in-અમદાવાદ:
પતિ પત્ની વચ્ચેના સંબંધને પવિત્ર માનવામાં આવે છે અને આ સંબંધમાં ભરોસો મોટી ચીજ હોય છે, જે ઘણાં કિસ્સામાં તૂટે ત્યારે દંપતિ વચ્ચે ખટરાગ સર્જાતા હોય છે અને કાનૂની જંગ પણ ખેલાતા હોય છે પરંતુ આવા એક કિસ્સામાં પત્નીએ કરેલી પોલીસ ફરિયાદ અદાલતે રદ્દ કરી નાંખતા, પતિની ગર્લફ્રેન્ડને રાહત મળી અને પતિ પણ ખાનગીમાં ખુશ થયો હશે ! આ મામલામાં અદાલતનું વલણ સ્પષ્ટ અને નોંધપાત્ર રહ્યું.
એક દંપતિ વચ્ચે, પતિની ગર્લફ્રેન્ડ મામલે વિવાદ થયો. પત્ની મામલો પોલીસમાં લઈ ગઈ. પત્નીએ પતિની ગર્લફ્રેન્ડ વિરુદ્ધ ક્રૂરતાની કલમ 498A, 406(વિશ્વાસનો અપરાધિક ભંગ) અને 506(2)(ડરાવવું કે ભય પેદાં કરવો) એમ કુલ 3 કલમ મુજબ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. મામલો અદાલતમાં ગયો. અદાલતે આ મામલામાં કહ્યું: ગર્લફ્રેન્ડ ‘રિલેટિવ’ની વ્યાખ્યામાં ન આવે, આથી આ મામલામાં 498A હેઠળ ગર્લફ્રેન્ડ વિરુદ્ધ કામ ચલાવી શકાય નહીં.
આ ઉપરાંત અદાલતે કહ્યું: ગર્લફ્રેન્ડ વિરુદ્ધ આ કેસમાં અન્ય જે બે કલમ લગાડવામાં આવી છે તે અનુસંધાને વિચારણા કરી શકાય તેવો એક પણ પુરાવો રેકર્ડ પર આવ્યો નથી. આમ કહી, અદાલતે પત્નીની આ ફરિયાદ રદ્દ કરી નાંખી.
અત્રે ઉલ્લેખનિય છે કે, કલમ 498A અંતર્ગત માત્ર એવી વ્યક્તિ વિરુદ્ધ કામ ચલાવી શકાય જે લોહીના સંબંધમાં હોય, લગ્નથી થયેલો સંબંધ હોય અથવા દતક પ્રક્રિયાઓ હેઠળનો સંબંધ હોય- આ કિસ્સામાં ગર્લફ્રેન્ડ કોઈ પણ રીતે ‘રિલેટિવ’ ની વ્યાખ્યામાં નથી. આથી ફરિયાદી તેણી વિરુદ્ધ આ કલમ મુજબ ફરિયાદ કરી શકે નહીં. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ પતિ અને ગર્લફ્રેન્ડ વચ્ચે રોમેન્ટિક અને શરીરસંબંધ છે, એ બાબતની પણ અદાલતે નોંધ લીધી હતી. ત્યારબાદ આ નિર્ણય જાહેર કર્યો. આ મામલો પશ્ચિમ અમદાવાદના એક વિસ્તારનો હતો, જેમાં ઉપરોકત કાર્યવાહીઓ થઈ છે.(symbolic image)


