Mysamachar.in-ગાંધીનગર
જામનગર સહીત રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે. જરૂરિયાતવાળા લોકો અને વેપારીઓ ઊંચા વ્યાજે નાણા ધીરનાર કરતી વ્યક્તિઓ પાસેથી જ જરૂરિયાતની રકમ મેળવે તો છે, પણ બાદમાં ઊંચા ચક્રવૃદ્ધિ વ્યાજની ચુંગાલમાં લોકો ફસાઈ જાય છે અને અંતે આપઘાત કરવા મજબૂર થાય છે, ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં વિગતો જાહેર થઈ છે કે, તા 1-10-15થી તા. 30-9-20 સુધીના સમયગાળાના 5 વર્ષમાં રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને 178 લોકોએ આપઘાત કર્યો છે અને 30 લોકોએ આપઘાતનો પ્રયાસ કરતાં તેમને બચાવી લેવાયાં છે.
રાજ્યના સૌથી મોટા અમદાવાદ શહેરમાં આ પાંચ વર્ષમાં 17 લોકોએ આપઘાત કર્યો હતો. સુરતમાં આ દૂષણ પ્રમાણમાં ઓછું છે, જ્યાં 8 લોકોએ 5 વર્ષમાં મોત વહાલું કર્યું હતું. રાજ્યમાં આ દૂષણ છેલ્લા 3 વર્ષમાં તો માઝા મૂકી રહ્યું છે, ઉક્ત ગાળાના છેલ્લા માત્ર 3 વર્ષમાં જ 125 લોકોએ આપઘાત કર્યો છે. રાજ્ય સરકાર એવું કહે છે કે, રંજાડ કરનારા કુલ 731 વ્યાજખોરોની પોલીસ દ્વારા 5 વર્ષના ગાળા દરમિયાન ધરપકડ કરાઈ હતી, જ્યારે 40 આરોપીઓ હજીયે પકડવાના બાકી છે. રાજકોટ શહેરમાં 2, ગાંધીનગર જિલ્લામાં 7, સાબરકાંઠા જિલ્લામાં 6, અમદાવાદ અને સુરત શહેરમાં એક-એક હજીયે નાસતા ફરે છે.