Mysamachar.in-જામનગર:
જામનગરમાં અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓમાં કાર્યરત શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડની ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષામાં ઉચ્ચ ગુણાકો સાથે ઉતિર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ-બહેનો સન્માન સમારોહ ધન્વંતરી ઓડિટોરિયમમાં યોજાયો હતો. માર્ચ-2019માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 (સાયન્સ અને વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં 75 પર્સન્ટાઈલથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન નગરના મહાનુભાવોના અને સનદી અધિકારીઓના હસ્તે મેડલ, સન્માનપત્ર તથા મોમેન્ટો અર્પણ કરી કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં અતિથિવિશેષ પદે જીલ્લા કલેકટર રવિશંકર, મ્યુનિ. કમિશ્નર સતીષ પટેલ, જીલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર એજ્યુકેશન સોસાયટી તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ બિપિનભાઈ ઝવેરી, જામનગર આર્યસમાજના પ્રમુખ દિપકભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મનોજભાઈ અનડકટ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
પ્રસંગે અતિથિવિશેષ પદે પધારેલા જિલ્લા કલેકટર રવિશંકર તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટના વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય મળવા બદલ અભીનંદન અને આનંદની લાગણી અનુભવું છું તેમણે તેમણે ટ્રસ્ટી અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ તેમજ તેમના ટ્રસ્ટના સેવાકર્યોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે અભ્યાસ દરેકના જીવનમાં ખૂબ જ મહત્વનું છે સખત મહેનત કરી તમારી એક અલગ ઓળખ ઉભી કરો. તમે જે સિદ્ધિ સફળતા મળેલ તેવી જ સિદ્ધિ અન્ય વિદ્યાર્થી પણ મેળવે તેમ બીજાને મદદરૂપ થઇ શકો છો બીજા માટે પણ કંઈક કરી છુટવાની ભાવનાને કેળવો. તેમજ તમામ વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.
મ્યુનિ. કમિશ્નર સતિષભાઈ પટેલ તેમના પ્રવચનમાં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને લાલ પરિવારને અભિનંદન આપ્યા હતા. વિદ્યાર્થીઓનું સન્માન કરવાથી તેમનો ઉત્સાહ વધશે તેમ જ અન્યને પણ પ્રેરણા મળશે. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા શબ્દોમાં જણાવ્યું હતું કે અભ્યાસમાં બરાબર ધ્યાન આપીને આગળ વધશો તો તમે પણ કલેકટર, એસ.પી, કમિશનર, બની શકો છો. આ તમારો ઘડતર નો સમયગાળો છે અભ્યાસ સાથે અન્ય પ્રવૃત્તિઓમાં રસ લઈ સર્વાંગી ઘડતર કરી ઉજ્જવળ કારકિર્દી નું નિર્માણ કરો તેવી શુભેચ્છા પાઠવી હતી.
એસ.પી. શરદ સિંઘલ ખુબ જ ભાવ પૂર્વક તેમના કોલેજકાળ અને ત્યાર પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેળવેલી સિદ્ધિઓ અને સ્વાનુભાવોના ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓ અને પ્રેરણાદાયક ઉદબોધન કર્યું હતું વિદ્યાર્થીઓએ એવી સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ કે જેના કારણે તેના માતા પિતા નું નામ રોશન થાય પિતાના નામથી નહીં પણ પિતા પુત્રના નામે ઓળખાય એવી ઓળખ ઉભી કરો તેમણે વિદ્યાર્થીઓની કારકિર્દીમાં અઢી વર્ષનો સમયગાળો કેટલો કિમતી છે તે સમજાવ્યું હતું ધોરણ-9ની અર્ધવાર્ષિક પરીક્ષા પછી ધોરણ-12 ની વાર્ષિક પરીક્ષા સુધીના સમયમાં અભ્યાસ સિવાય તમામ બાબતોને સાઈડમાં રાખી દયો. આ અઢી વર્ષ મોજ મજાથી દૂર રહેશો અને સંઘર્ષ-મહેનત કરશો તો ત્યારપછીનાં 25 વર્ષ મોજમજા કરી શકશો અને જો આ અઢી વર્ષ મોજમજા કરશો ત્યારપછીના જીવનમાં 25 વર્ષ સંઘર્ષ કરવો પડેશે.
આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના પ્રેરણાદાયયી વક્તવ્ય પછી જામનગરના સર્વજ્ઞાતિય તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ, સન્માનપત્ર, મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ૭૫ પી.આર. થી વધુ ગુણાંક મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું મહાનુભાવો, આમંત્રિત અગ્રણીઓ તેમજ શહેરની વિવિધ મહિલા સંસ્થાઓના અગ્રણીઓ, હોદ્દેદારો વગેરેના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.