Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં સરકારી નોકરીઓમાં છેલ્લા કેટલાય સમયથી આઉટસોર્સિંગના મૂળિયાં વધવા લાગ્યા છે, જે મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આઉટસોર્સિંગ થકી થતી ભરતીને પડકારતી અરજીને મામલે સુનાવણી આજે થઈ હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટે સરકારને ઝાટકણી કાઢતા કહ્યું કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જગ્યા પણ આઉટસોર્સિંગથી કેમ નથી ભરતાં? રાજ્યની જુદી-જુદી મહત્વની જગ્યાઓ પર આઉટસોર્સિંગ દ્વારા થતી ભરતીને પડકારતી રીટ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજદારે આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવતી ભરતીમાં થતી ગેરરીતિના દાવા સાથે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જેને લઈને હાઈકોર્ટે સરકારી વકીલને મહત્વની ટકોર કરી હતી કે તમે તમામ સરકારી ખાતાઓમાં આઉટસોર્સિંગથી એજન્સી દ્વારા ભરતી કરો છો. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જગ્યા પણ આઉટસોર્સિંગથી શા માટે નથી ભરતાં? આઉટસોર્સિંગથી નોકરીઓ આપી અને લોકોને અધિકારોથી વંચિત રાખવાના સરકારના વલણની સામે કોર્ટે લાલ આંખ કરી હતી.