Mysamachar.in-જામનગર:
ગાંધીનગર ખાતે રવિવારે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા અને શાળામાં ડિજિટલ એટેન્ડન્સ સહિતના વિવિધ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ એવી પણ ટકોર કરી કે સરકાર શિક્ષકોને પગાર આપે છે, કામ તો કરવું જ પડશે.ગુજરાતમાં શિક્ષણનું નબળું સ્તર અને નબળા પરિણામને લઈ શિક્ષણમંત્રીએ આ વાત કરી હોય તેમ લાગ્યું…
સામાન્ય રીતે એવું કહેવાય છે કે શિક્ષણ ક્ષેત્રમાં મોટા ધોરણોમાં સરકારી શાળાઓના 20% અને ખાનગી શાળાઓના 80% પરિણામો આવે છે.આ ઉકિતને હાલારનું શિક્ષણ તંત્ર ખરી પાડે છે અને નબળા પરિણામોની પરંપરા સરકારી શાળાઓએ જાળવી રાખી છે.બીજી તરફ જોવાની ખુબી એ છે કે, અનેક ખાનગી શાળાઓ ગીચોગીચ વિદ્યાર્થીઓ બેસાડે, પાર્કીગ કે ગ્રાઉન્ડ વગેરે ફેસીલીટી ન હોય તો પણ સારા પરિણામો આપે છે અને સરકારી શાળાઓનું રગશીયુ ગાડુ ધકેલાય છે.
આ અંગે જાણકારોનો એવો અભિપ્રાય છે કે એક તો સરકારી શાળાઓમાં નબળા પરિણામો આવે તો સામાન્યને બાદ કરતા ખાસ કંઇ ગંભીર પગલા લેવાતા નથી તેથી જે સ્ટાફ ખાસ જહેમત ઉઠાવતા નથી તે વધુ ને વધુ પેધી જાય છે, બીજી તરફ સરકારી શાળામાં સ્ટાફની ખાસ નિયમીતતા નથી હોતી તો વિદ્યાર્થીઓ-વાલીઓની સંપુર્ણ જાગૃતિનો પણ અભાવ હોય છે,જ્યારે ખાનગી શાળામાં એક તો તગડી ફી લેવાતી હોઇ તેની સામે પરિણામ પણ આપવા પડે તો જ આ ‘હાટડા’ વધુ પ્રગતિ કરે તેથી જ તગડી ફી ભરતા વાલીઓ-વિદ્યાર્થીઓ અને સંસ્થા વધુ જાગૃત રહેતી હોય છે.

તપાસની પરંપરા નિયમીત હોવી જોઇએ, જુજ પગલા જ લેવાયા
જામનગર અને દ્વારકા જિલ્લામાં ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન માત્ર કુલ ચાર જ પગલાલક્ષી તપાસ કામગીરી થઇ એ સિવાય તો કંઇ પગલા લેવાયા હોવાનું જાહેર થયુ જ નથી.વળી દરેક શાળાઓ તપાસવા માટે જિલ્લા શિક્ષણ તંત્ર પાસે પુરતા નિરીક્ષકો નથી, તો શાળાઓમાં પુરતા આચાર્યો નથી કે પુરતા શિક્ષકો નથી, પુરતી સુવિધા નથી અને નબળા પરિણામોની શાળાઓમાં જુજ પગલા લેવાના બદલે દર મહિને દાખલારૂપ પગલા લેવા જોઇએ.

અનેક શિક્ષકો ‘સાઇડ’ બિઝનેશ કરે કે, દરરોજ સ્કૂલે જતા ન હોવાની ચર્ચા…
અન્ય સરકારી વિભાગોની જેમ શિક્ષણ ક્ષેત્રમાં પણ એ દુષણ વ્યાપી ગયું છે કે દરરોજ ફરજ ઉપર જવુ ફરજીયાત નથી,અથવા ફરજના પુરતા કલાકો ફાળવવા જરૂરી નથી તેમ માની અમુક શિક્ષકો નિયમીત ફરજ ઉપર જતા જ હોય તેવું બનતુ નથી,તેમ લોકોમાં ચર્ચા થાય છે જો કે શિક્ષણ અધીકારીઓએ રજા રીપોર્ટ વગર શિક્ષકો કે અન્ય સ્ટાફ શાળામાં હાજર ન હોય તેવું પકડી પાડયુ હોય તેવા છેલ્લા વર્ષોમાં અનેક દાખલાઓ છે,પરંતુ બાદમાં પણ કંઇ ખાસ ફરક પડતો નથી વળી જો અંતરીયાળ ગામ હોય તો નિમણુંકની સાથે જ રીડટચ કે વતનથી નજીકના કે વતનમાં જ જવા માટેની જહેમતમાં શિક્ષકો પડી જાય છે,જેથી શિક્ષણ બગડે છે,અને અમુક કિસ્સામાં નોકરી શાળામાં હોય પરંતુ બિઝનેસ બીજા હોય તેવું પણ બનતુ હોવાનું લોકોમાં ચર્ચાય છે,

શિક્ષકોની પણ આ વ્યથા..પણ કામ પ્રત્યે ધ્યાન આપો તે પણ જરૂરી..
શિક્ષકો પાસેથી માત્ર શિક્ષણની કામગીરી લેવામાં આવતી નથી,તેવોને અન્ય કામગીરીઓમા પણ જોડવામાં આવતા હોય છે,વિવિધ સરકારી કાર્યક્રમો, મેળાઓ,સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ હોય કે પછી જાહેર કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા માટે શિક્ષકોને ફરજિયાત હાજર રહેવાની ફરજ પાડવામાં આવતી હોય છે, તે બંધ કરવું જોઈએ.શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે કે અન્ય કામગીરી કરે તે મોટો સવાલ છે.શિક્ષકો માત્ર વિદ્યાર્થીઓને ભણાવે અને તે સિવાય સરકાર અન્ય કોઈ કામગીરી ના સોંપે તેવું આયોજન કરવું જોઈએ,તેવો પણ શિક્ષકો જે કામ કરવા માંગે છે તેમાં ચર્ચાઓ ચાલી રહી છે.
























































