Mysamachar.in-બનાસકાંઠા
સફાઈની સમસ્યા કોઈ એક શહેરની નથી, સ્વચ્છ ગુજરાતના બણગા વચ્ચે કેટલાય શહેર અને તાલુકાઓમાં આજે પણ સફાઈને નામે મીંડું છે, એવામાં વિપક્ષમાં હોય તેવા જનપ્રતિનિધિઓ સફાઈના કામોને લઈને વિરોધ કરતા હોય છે, પણ બનાસકાંઠામાં વિરોધનો અનોખી રીત સામે આવી છે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકામાં કોન્ફરન્સ હોલ ખાતે આજે સાધારણ સભા મળી હતી. જેમાં શાસક તેમજ વિરોધ પક્ષના સભ્યો હાજર રહ્યાં હતા. ચીફ ઓફીસરની ઉપસ્થિતિમાં મળેલી આ સભામાં વિરોધપક્ષ દ્વારા એજન્ડાનાં વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેને લઇ સભાખંડમાં હોબાળાના દ્રશ્યો સર્જાયાં હતાં.
બીજી તરફ સભા શરૂ થાય તે પહેલા જ વિરોધ પક્ષના નેતા અંકિતાબેન ઠાકોરે શહેર ગંદકી અને અને ગટરો નગરી બની ગઈ હોવાના આક્ષેપો સાથે પાલિકા પ્રમુખને અત્તર તેમજ સ્પ્રે આપી કહ્યું હતું કે લ્યો સાહેબ આ અત્તર રાખો, આખું શહેર ગંધાય છે. એમ કહી શહેરને અત્તરોની નગરી જેવી બનાવવા વિરોધ દર્શાવ્યો હતો. વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોરએ જણાવ્યું હતું કે નગરપાલિકા બન્યા બાદ લગભગ ચારથી પાંચ મહિના થઇ ચુક્યા છે પરંતુ વિકાસના નામે હજુ મીંડું છે, એટલે આજે અમે પ્રમુખને અત્તરની ભેટ આપી છે. પાલનપુર નગરી એટલે અત્તરોની નગરી કહેવાતી હતી. પરંતુ અત્યારે ગટરોની થઈ ગઈ છે એટલે ભાન કરાવ્યું કે બેન તમે ચેમ્બરમાંથી અને ફાઇલોમાંથી બહાર આવો અને પાલનપુરના વિકાસના કામોમાં ધ્યાન આપો.
જ્યારે આ અનોખા વિરોધ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર સતીષ પટેલનું કહેવું છે કે મને અત્તરની બોટલ આપી જ નથી. હું તો સામાન્ય સભામાં બેઠો હતો અને નેતા વિપક્ષ ત્યાં આવી મૂકી ગયા. જ્યારે વિપક્ષના વિરોધ મામલે પાલનપુર નગરપાલિકા પ્રમુખ હેતલ પટેલે કહ્યું હતું કે માત્ર વિરોધ કરવાથી વિકાસ થતો નથી. આમ આજે આનોખો વિરોધ ભારે ચર્ચાનો વિષય બન્યા છે.