Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી હથિયારનો મોટો જથ્થો મળી આવતા પોલીસની ટીમો કામે લાગી છે, ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલ એક કારમાંથી 2 રિવોલ્વર, 2 દેશી કટ્ટા, 200 થી વધુ કારતૂસ મળી આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર કોની છે અને હથિયારો ક્યાંથી લાવીને કારમાં મૂકવામાં આવ્યા હતા તે અંગે પોલીસ ટીમો દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
ગાંધીનગર શહેરની સેક્ટરની બાઉન્ડ્રીને અડીને આવેલા સરગાસણ ગામમાં આવેલા સ્વાગત એફોર્ડ ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારમાંથી હથિયારનો મોટો જથ્થો મળી આવ્યો છે. કારમાંથી હથિયારનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઈન્ફોસિટી પોલીસે કાર કબજે કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હ્યુન્ડાઈ વર્ના કાર કે જે ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી હતી, તે બિનવારસી હાલતમાં મળી આવી છે.
અમદાવાદ પાર્સિંગની GJ.1.RJ.5702 નંબરની કાર કોના દ્વારા અહીં લાવવામાં આવી હતી? આ કાર કોના નામે RTOમાં રજિસ્ટર્ડ થયેલી છે તે માટે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જે બાદ કારમાં હથિયાર કઈ રીતે લાવવામાં આવ્યા અને તેનો શું ઉપયોગ કરવાનો હતો અને હથિયાર કોની પાસેથી લાવવામાં આવ્યા હતા તે તમામ રહસ્યો પરથી પરદો ઉચકવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
જે પાર્કિંગમાંથી અમદાવાદ પાર્સિંગની જે કાર ગાંધીનગરમાંથી મળી આવી છે તેના ધૂળની ચાદર ઢંકાયેલી છે, પોલીસે આ કારને કબજે કરીને વધુ તપાસ શરુ કરી છે રાજયના પાટનગર ગાંધીનગરમાં વડાપ્રધાનના આગમન ટાણે હથિયારો અને કારતૂસ બિનવારસી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12મી મેના રોજ ગાંધીનગર આવી રહ્યા છે. ત્યારે ચાર દિવસ અગાઉ હથિયારોનો જંગી જથ્થો ઝડપાતા પોલીસની ચિંતા વધી છે.
સોસાયટીના રહીશને તૂટેલા કાચમાંથી કારની પાછળની સીટમાં બાર બોર રાઈફલના કાર્ટિજ જોવા મળ્યા હતા. ગભરાયેલા રહીશોના કહેવાથી પરેશભાઈએ ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ઈન્ફોસિટી પોલીસનો સ્ટાફ તરત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી બાર બોર રાઈફલના પ્લાસ્ટિક 65 એમએમ કાર્ટિજ 25 નંગ મળી આવ્યાં હતા. કારની પાછળની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્ટોલ, દેશી બનાવટના તમંચા, પિસ્ટોલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર-પિસ્ટલના કાર્ટિજ વગેરે મળી આવ્યાં હતા. પોલીસે પંચોની હાજરીમાં કારની સઘન તપાસ કરતાં આંખો ફાટી જાય તેવો હથિયારોનો જથ્થો નજરે પડ્યો હતો. ક્રેનની મદદથી હથિયારો ભરેલી કારને ટો કરી પોલીસ મથકે લઈ જવાઈ હતી.