Mysamachar.in-સુરત:
થોડા સમય પૂર્વે સ્પેશીયલ 26 નામની હિન્દી મુવી સામે આવી હતી, અક્ષય કુમાર અભિનીત આ સ્પેશિયલ 26 ફિલ્મમાં અક્ષય કુમાર સાથે અનુપમ ખેર સહિતની ટીમ ભારતના અલગ અલગ વિસ્તારમાં નકલી ACB, ઇન્કમટેક્સ અને પોલીસ અધિકારી બનીને લોકોને છેતરતી હોય તેવું ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ત્યારે નવસારીમાં પણ કંઈક આવા જ પ્રકારની ઘટના બનવા પામી છે.ઉમેશ્વર દયાળસિંગ વન સેવાના અધિકારી તરીકે ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. ત્યારે રાજ્યના વનોની વ્યવસ્થા સરક્ષણ અને સંવર્ધનની કામગીરી અને દેખરેખ તેમને સોંપવામાં આવ્યા છે. ત્યારે તેઓ 11 સપ્ટેમ્બરના રોજ પોતાના સ્ટાફને લઈને દક્ષિણ ગુજરાતના વલસાડ,નવસારી, ડાંગ જિલ્લામાં વનોની મુલાકાત અને નિરીક્ષણ પ્રવાસ માટે ગયા હતા.જ્યાં તમામ જાતનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ ગાંધીનગર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન..
ટાંકલ ચાર રસ્તા થી આશરે પાંચ થી સાત કિલોમીટર ગણદેવા ગામ તરફ નેહર ફળિયા પાસે તેમની સરકારી ગાડીની આગળ છ થી સાત ઈસમોએ આવીને ACB અધિકારીની ઓળખ આપી ગાડીની તપાસ કરવાની માંગ કરી હતી અને અધિકારીએ આઈકાર્ડ માંગતા વધારે બોલશો અને કામમાં વિલંબ કરશો તો જાનથી મારી નાખવાની પણ ધમકી ઉચ્ચારી હતી.આ સમગ્ર નકલી રેડમાં કઈ હાથ ન લાગતા આખરે તેઓએ વન અધિકારીને બોરીયાચ ટોલનાકા પાસે ઉભા રહો તમારું નિવેદન લેવાનું છે કહીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. અધિકારી ટોલનાકા પાસે ઊભા રહેતા નકલી અધિકારી બનીને આવેલ એ શખ્સો નાશી ગયા હતા બાદમાં વન વિભાગના અધિકારીએ ગણદેવી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસ નકલી એસીબીની ટીમ કોઈને તેમનો શિકાર બનાવે તે પહેલા શોધવા કામે લાગી છે.