Mysamachar.in:સુરત
જામનગર સહિત રાજ્યભરમાં ફૂડ સેફ્ટી અધિકારીઓનાં કામનો પ્રકાર જ એવો છે કે, તેઓએ ‘ખાવા’ની ચીજોની જ તપાસ અને શોધખોળ કરવાની હોય છે. એ અર્થમાં ઘણાં લોકોનાં મતે, આ નોકરી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. પરંતુ ઘણી વખત આ વિભાગમાં લોચા પણ પડતાં હોય છે, આવો એક લોચો સુરતમાં જાહેર થયો છે. સુરત મહાનગરપાલિકાનાં ત્રણ ફૂડ સેફ્ટી અધિકારીઓને કમિશ્નરે નોટિસ ફટકારી છે. આ નોટિસનો જવાબ આ અધિકારીઓએ દસ દિવસમાં આપવાનો છે.
આ ત્રણ અધિકારીઓમાં બે મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. આમેય મહિલાઓને ખાવાની ચીજો પ્રત્યે, સામાન્ય રીતે વધુ આકર્ષણ હોય છે. સુરત મહાનગરપાલિકાનાં આ ત્રણ અધિકારીઓ વિરુદ્ધ એક ધંધાર્થીએ એવી ફરિયાદ કરી હતી કે, આ અધિકારીઓ મિઠાઈના સેમ્પલ લેતી વખતે, માત્ર સેમ્પલ તરીકે થોડી મિઠાઈ નથી લેતાં પરંતુ એક એક કિલો મિઠાઈના બોક્સ બનાવવાનો હુકમ કરે છે !
આ ફરિયાદ કમિશનર સમક્ષ પહોંચતા કમિશનરે બે મહિલા અધિકારીઓ સહિત કુલ ત્રણ ફૂડ સેફ્ટી અધિકારીઓને શો-કોઝ નોટિસ ફટકારી દસ દિવસમાં ખુલાસો આપવા આદેશ કર્યો છે. આ ત્રણ ફૂડ સેફ્ટી અધિકારીઓનાં નામો – દેવેન્દ્ર શર્મા, પૂર્વી દેસાઈ અને તૃપ્તિ પટેલ હોવાનું જાહેર થયું છે. ફરિયાદ કહે છે : આવું પ્રથમ વખત નથી બન્યું. અન્ય ધંધાર્થીઓ પણ આ ત્રણ અધિકારીઓ વિશે આ મુદ્દે વધુ બોલવાનું ટાળે છે પરંતુ કિલો કિલોના પેકિંગ મુદ્દે ઘણાં પ્રકારની ચર્ચાઓ કરે છે અને દબાતા સૂરે આ ફરિયાદને સમર્થન આપતાં હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય છે કે, સરકાર તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિવિધ વિભાગોમાં અધિકારીઓની કામ કરવાની વિવિધ પ્રકારની સ્ટાઈલ અંગે અવારનવાર ચર્ચાઓ ઉઠતી હોય છે પરંતુ ભાગ્યે જ કોઈ કસૂરવાર અધિકારી વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થતી હોય છે. સામાન્ય રીતે, થોડાં સમય બાદ આ પ્રકારની ચર્ચાઓ શમી જતી હોવાનું આપણે સૌ જાણીએ છીએ.