Mysamachar.in-બનાસકાંઠા
રાજ્યમાં હનીટ્રેપ ના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે, એવામાં બનાસકાંઠા જિલ્લામાં પણ હનીટ્રેપનાના ખેલમાં એક ખેડૂતને થોડા સમય પૂર્વે હનીટ્રેપમાં ફસાવ્યાની ઘટના થરાદના દૂધવા ગામે બની હતી. અહીંયા સુઇગામના એક ખેડૂત ભેંસ લેવા જતા હનીટ્રેપમાં ફસાયા હતા.સુઇગામના મમાણાથી ભેંસ લેવા માટે થરાદ આવેલા આધેડને વાવના ભડવેલના એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણે થરાદના દુધવા ગામની સીમમાં લઈ જઈ હનીટ્રેપમાં ફસાવી રૂ.50000 પડાવી લીઘાની પોલીસ ફરિયાદ બાદ પોલીસ આ ટોળકીની શોધમાં હતી અને અંતે પોલીસને સફળતા મળી છે, પોલીસે આ કાંડમાં જેમાં સંડોવાયેલા બે મહિલા અને એક પુરુષની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે,
આ ચકચારી બનાવની વિગત એવી છે કે સુઇગામના મમાણાના દેવજીભાઇ ગત ૩ સપ્ટેમ્બરે સવારે ભેંસ ખરીદવા રૂ.50000 લઈને થરાદ આવી ડીસા ચાર રસ્તા પર ચાની હોટલ પાસે ઊભા હતા. દરમિયાન ત્યાં આવેલા વાવના ભડવેલ ગામના વિષ્ણુ ઠાકોરને ભેંસ લેવા અંગે વાત કરતાં તેણે હું તપાસ કરાવું છું, તમે અહીં બેસો તેમ કહીને ગયો હતો. ત્યારબાદ ઠગ વિષ્ણુ રિક્ષામાં બે સ્ત્રી લઈને પરત આવ્યો હતો. જે રિક્ષામાં મહિલાઓની બાજુમાં દેવજીભાઈને બેસાડી દૂધવા ગામની સીમમાં તલાવડી પાસે બાવળની ઝાડીમાં લઇ જઇ ત્રણેય સાથે મળીને ગડદાપાટુનો માર મારી એક સ્ત્રી સાથે ઉભા રખાવી તેમના ફોટા પડાવી લીધા હતા.
આ ગેંગ દ્વારા મહિલા સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ખેડૂત દેવજી ભાઈ પાસેથી રૂ.50000 પણ પડાવી લીધા હતા. દેવજીભાઇ કુંભારની પોલીસ ફરિયાદ બાદ પોલીસની ટીમે વાવ તાલુકાના ભડવેલના વિષ્ણુભાઇ બાવાભાઇ ઠાકોર તથા બે મહિલાઓને ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી મુદ્દામાલના રૂપિયા 50,000ની રિકવરી કરી ત્રણેયની સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.