Mysamachar.in-
રાજ્ય સરકારે આજથી પંદર દિવસ અગાઉ નવા પ્રધાનમંડળની રચના કરી અને CM સહિત 26 પ્રધાનોની સ્પેશિયલ 26 ટીમ અસ્તિત્વમાં આવી ગઈ. પરંતુ આ તમામ મંત્રી તથા તેમના તાબાના તમામ અધિકારીઓ હાલ ‘નવરાધૂપ’ છે, તેમને સતાઓ સોંપતી નિયમ અનુસારની અધિસૂચના જાહેર થઈ જ નથી. હાલમાં સમગ્ર ગાંધીનગરમાં અને સચિવાલયમાં પંદર દિવસથી માત્ર ફોટોસેશન જ ચાલી રહ્યા છે, બાકીનું બધું ઠપ્પ છે.
મંત્રીઓને હજુ સુધી PA,PS અને ઓફિસ સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવી નથી. મંત્રીઓએ કઈ કઈ સતાઓ પોતાની પાસે રાખવી, કઈ સતાઓ રાજ્યમંત્રીને સોંપવી, કઈ સતાઓ સેક્રેટરી, નિયામક, કમિટીઓને સોંપવી અને કઈ સતાઓ નીચલી પાયરીએ વિકેન્દ્રીત કરવી- આ માટેની અધિસૂચના જાહેર થઈ નથી.
આ કારણોથી સમગ્ર સચિવાલય અને સરકારમાં વિવિધ વિભાગોની સત્તાવાર કામગીરીઓ હજુ સુધી શરૂ થઈ નથી. બધું ઉપરઉપર જ ચાલી રહ્યું છે. બધી જ સતાઓ હાલ CM અને મુખ્ય સચિવ પાસે જ છે. કેબિનેટ પ્રધાન સહિતના સૌની ઓફિસ ખાલી અને માત્ર સંબંધિતો સાથે ફોટોસેશન ચાલી રહ્યા છે. સરકાર ઠપ્પની સ્થિતિઓ અનુભવી રહી છે. એક પણ મંત્રી હાલ નિર્ણય લેવાની નિયમ મુજબની સતાઓ ધરાવતાં નથી. તેમને અનુભવી સ્ટાફની પણ ફાળવણી હજુ સુધી થઈ નથી. બીજી તરફ આગામી સમયમાં વડાપ્રધાન ફરી ગુજરાત આવી રહ્યા હોય અને તે પછીના સમયમાં સરકારની રાબેતા મુજબની ચિંતન શિબિર શરૂ થનાર હોય, આખી સરકાર હાલ આ પ્રકારના આયોજન અને કામોમાં વ્યસ્ત છે. રાજ્યના કરોડો લોકોના નીતિવિષયક કામો હાલ હાથ પર લઈ શકાય એમ નથી.


