Mysamachar.in-જામનગર:
કોઈ પણ રાજ્ય હોય કે, કોઈ પણ મહાનગરની વાત હોય કે ગ્રામ્ય વિસ્તારની વાત હોય, કોઈ પણ ચૂંટણીઓ ‘નજીક’ આવતી જાય તેમ તેમ ‘અમે નાગરિકોની (મતદારોની, એમ વાંચવું) ખૂબ જ ચિંતાઓ કરીએ છીએ’ – એ પ્રકારનો પ્રચાર જુદા જુદા મુદ્દાઓનો ઉલ્લેખ કરીને થતો હોય છે, જામનગર પણ આ વ્યૂહરચનાઓમાંથી બાકાત નથી.
આગામી મહિનાઓમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. પાછલાં કેટલાંક સમયથી જામનગરમાં આશ્ચર્યજનક રીતે, અમુક વિસ્તારોમાં, દાયકાઓ બાદ હવે, દૈનિક પાણી વિતરણ શરૂ થઈ ગયું ! અને સૂત્રના જણાવ્યા અનુસાર, હજુ વધુ ને વધુ વિસ્તારોને દૈનિક પાણી વિતરણ યોજનામાં આવરી લેવાની જામનગર મહાનગરપાલિકાને ‘ઉતાવળ’ છે ! બાકી તો સૌ જાણે છે કે, આ એ મહાનગર છે જ્યાં શાસકો તો ઠીક વિપક્ષ પણ દૈનિક પાણી વિતરણ ઈચ્છતું ન હતું ! તર્ક એવો હતો કે, દૈનિક પાણી વિતરણથી પાણીનો વેડફાટ થઈ શકે છે !!
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં જ્યારે એકાંતરા પાણી વિતરણ થતું ત્યારે, જામનગર મહાનગરપાલિકાની દૈનિક પાણીની માંગ 145 MLD હતી. હાલમાં કેટલાંક વિસ્તારોમાં દૈનિક પાણી વિતરણ થઈ રહ્યું હોય, માંગ વધીને 153-155 MLD જેવી થઈ છે. હજુ કેટલાંક નવા વિસ્તારોને દૈનિક પાણી વિતરણ હેઠળ આવરી લેવામાં આવશે.
દરમ્યાન, પાણી સંબંધે ગુજરાતમાં આગામી વર્ષોમાં કેવા પ્રકારની સ્થિતિઓ હશે, તે અંગેના આંકડા બહાર આવ્યા છે. રાજ્ય સરકારમાંથી બહાર આવેલાં આ આંકડા કહે છે: વર્ષ 2020માં જામનગરની પાણીની દૈનિક જરૂરિયાત 196 MLD હતી, જે આગામી ચાર-પાંચ વર્ષ પછી 25 ટકા જેટલી વધીને 245 MLD થઈ શકે છે. ત્યાં સુધીમાં જામનગર મહાનગરપાલિકાએ આટલું પાણી રોજેરોજ ફિલ્ટર કરવાની અને વિતરણ કરવાની વ્યવસ્થાઓ ગોઠવવી પડશે. જો કે એવું પણ બની શકે કે, આગામી ચૂંટણીઓ બાદ પાણી વિતરણ ફરીથી દૈનિકના બદલે એકાંતરા થઈ જાય તો પણ જામનગરમાં કોઈને અચરજ નહીં થાય કારણ કે આ મહાનગરમાં આ બાબતે વિપક્ષ શાસકપક્ષની સાથે છે. આગામી વર્ષોમાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં, માંગ વધતાં પાણીખેંચ સર્જાઈ શકે છે, રાજયભરમાં પાણીના નવા સોર્સ સરકારે શોધવા પડશે.


