Mysamachar.in-રાજકોટ:
નવું શૈક્ષણિક સત્ર કે વર્ષ શરૂ થવાનું હોય એટલે ખાનગી શાળાઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ‘ફી’ શબ્દ મોટાં પ્રમાણમાં ગાજવા લાગે. ક્યારેક, ક્યાંક થોડોઘણો ઉહાપોહ થાય અને બાદમાં બધી જ ‘ગોઠવણ’ પાર પાડી લેવામાં આવે, દર વર્ષે આ કથા લગભગ સરખી જ રહેતી હોય છે. આ વર્ષે પણ આગામી જૂનથી શરૂ થનારા નવા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓની ફી સંબંધિત ‘ગોઠવણ’નો આરંભ થઈ ગયો છે.
ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ અને નિયમન માટે રાજ્યમાં જે FRC ઝોન પાડવામાં આવ્યા છે, તે પૈકીના રાજકોટ FRC ઝોન (જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે)માં આગામી વર્ષ માટેની શાળાઓની ફી નક્કી કરવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે.
સૌરાષ્ટ્રમાં જામનગર સહિત 11 જિલ્લાઓમાં 5,600 આસપાસ ખાનગી શાળાઓ છે. આ શાળાઓ પૈકી મોટાભાગની ખાનગી શાળાઓ દરેક શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં ફી વધારા માટેની વ્યવસ્થાઓમાં વ્યસ્ત હોય છે. નિયમ અનુસાર, જે શાળાઓ ફી વધારો કરવા ચાહતી હોય તે શાળાઓએ FRC માં નવેમ્બર માસ દરમ્યાન દરખાસ્ત મોકલવાની હોય છે. અને, જે શાળાઓ ફી વધારવા ચાહતી ન હોય એ શાળાઓ FRC સમક્ષ એફિડેવિટ રજૂ કરીને કહે છે કે, અમે ફી વધારીશું નહીં. જો કે આ શાળાઓ પૈકી કેટલીક શાળાઓ જુદાજુદા ‘હેડ’ હેઠળ વાલીઓ પાસેથી ફી સિવાયના વધારાના નાણાં, આયોજનના ભાગરૂપે વસૂલી લેતી હોવાની પણ ફરિયાદો ઉઠતી રહે છે.
રાજકોટ FRC હસ્તકની જામનગર સહિતની 11 જિલ્લાઓની ખાનગી શાળાઓએ આગામી 15 નવેમ્બર સુધીમાં ફી વધારા માટેની દરખાસ્તો મોકલવાની છે. બાદમાં, FRC શાળાઓ સાથે વાતચીત કરી ફી વધારો મંજૂર કરવો કે નહીં, કેટલો વધારો મંજૂર કરવો એ અંગે નિર્ણય જાહેર કરશે. અને નવા શૈક્ષણિક વર્ષથી ખાનગી શાળાઓ એ મુજબ વાલીઓ પાસેથી ફી વસૂલી કરી શકશે. જાણવા જેવી એક બાબત એ પણ છે કે, રાજકોટ FRC પાસે ગત્ વર્ષે ગયેલી આવી ફાઇલ પૈકી 300 જેટલી શાળાઓની ફાઇલ અંગે આજની તારીખે, શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાની તૈયારીઓ છે ત્યાં સુધી, શૈક્ષણિક ફી અંગે નિર્ણય લેવામાં આવ્યા નથી ! સામાન્ય રીતે દરેક જિલ્લાની શિક્ષણ અધિકારી કચેરીને કે FRC ને શાળાઓ સંબંધિત આંકડાકીય માહિતીઓ કે વિગતો ‘જાહેર’ કરવામાં કોઈ ખાસ રસરૂચિ હોતાં નથી.


