Mysamachar.in-રાજકોટ:
ન..ક..લી…આ શબ્દ ગુજરાતનો જાણે કે પર્યાય બની ગયો છે. તમને કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ કક્ષાનો અધિકારી કે કર્મચારી ‘નકલી’ ભટકી શકે છે, જે તમારી પાસે ‘અસલી’ નો ડોળ કરે અને તમારી પાસેથી લાખો નહીં, કરોડો રૂપિયા પણ સેરવી શકે- જો તમે લાલચમાં લપેટાઈ જાવ અથવા આ નકલીથી ડરી જાવ. આવો વધુ એક મામલો રાજકોટ DCB પાસે પહોંચી ગયો છે, જેમાં બનાવટી IPS અધિકારીની વાત છે અને આ મામલાનું દ્વારકા કનેક્શન ખૂલતાં સમગ્ર હાલારમાં સનસનાટી મચી ગઈ છે.
આ મામલામાં બનાવટી IPS ઓફિસર એટલે કે આરોપીનું નામ વિવેક ઉર્ફે વિક્કી દવે છે. જેને પોલીસ શોધી રહી છે. રાજકોટ પોલીસનો DCB વિભાગ આ મામલાની તપાસ ચલાવી રહ્યો છે. દ્વારકા પંથકના પશુપાલક જિલુ ગમારાએ એવી ફરિયાદ નોંધાવી છે કે, વિવેક અને હરિ ગમારા નામના 2 શખ્સોએ મારી સાથે રૂ. 1.48 કરોડની છેતરપિંડી કરી છે.
પાછલાં 3 વર્ષ દરમ્યાન વિક્કી નામના આ શખ્સે માત્ર એ જ દાવો ન કર્યો કે, પોતે સિનિયર IPS અધિકારી છે, તેણે એમ પણ દાવો કર્યો કે, સિનિયર ઉચ્ચ અધિકારીઓ અને મિનિસ્ટરો સાથે તેને ઘરોબો છે અને તે 2 રાજ્યના પોલીસ વિભાગનો ઈન્ચાર્જ અધિકારી છે. આ ફેંકુએ ફરિયાદી જિલુ ગમારાના દીકરા રાહુલને પોલીસ અધિકારી બનાવી દેવાની લાલચ આપી કુલ રૂ. 10 કરોડની માંગ કરી હતી.
ફરિયાદી જિલુ ગમારા કહે છે કે તેની હરિ ગમારા સાથેની મુલાકાત દ્વારકા ખાતે થયેલી અને પછી બંને વચ્ચે પારીવારિક સંબંધો ખીલી ઉઠેલાં. હરિએ 2021-22માં ફરિયાદીના ઘરની મુલાકાત લઈ ફોજદાર ભરતીની વાતો કરી હતી. અને ફરિયાદીને વાતમાં લપેટી એમ કહેલું કે, વિવેક દવે મોટો માણસ છે, નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે, ભરતીમાં તારાં છોકરા રાહુલની પસંદગી કરાવી આપશે.
બાદમાં ફરિયાદી અને વિવેકની મુલાકાતમાં રૂ. 50 લાખની વાત થઈ. જે પૈકી રૂ.15 લાખ એડવાન્સ પેટે ફરિયાદીએ વિવેકને આપી પણ દીધાં. ફોજદાર ભરતી યાદી જાહેર થઈ જેમાં ફરિયાદીના દીકરાનું નામ ન હતું. જે સંબંધે આરોપીએ ફરિયાદીને એમ કહ્યું કે, જે અધિકારી આ બધું સંભાળતા હતાં તેનું મૃત્યુ થયું છે, એડવાન્સ લીધેલાં નાણાં પાછાં મળી જશે.
આરોપીએ રૂ. 14 લાખ ફરિયાદીને પરત આપી અન્ય નોકરીની વ્યવસ્થાઓ કરવા એક લાખ રાખું છું એમ ફરિયાદીને કહ્યું. પછી હરિ ફરીથી ફરિયાદીને મળે છે અને કહે છે, હવે વિવેક પાસે પાવરફૂલ લિંક આવી ગઈ છે. તારાં દીકરાને ડાયરેક્ટ DSP બનાવી દેશે. રૂ. 2.36 કરોડની માંગણી થઈ, રૂ. 50 લાખ એડવાન્સ આપવાની વાત થઈ. ફરિયાદીએ હરિના ભાઈ આંબાના બેંક એકાઉન્ટમાં રૂ. 37.76 લાખ ટ્રાન્સફર કરી દીધાં. અને પછી, રૂ. 1.98 કરોડ રોકડા આપ્યા !
ત્યારબાદ પણ નોકરીનું ઠેકાણું ન પડતાં નિરાશ ફરિયાદીએ ફરી આરોપીઓ સાથે વાત કરતાં આરોપીઓએ કહ્યું: DSP ના ફાઈનલ ઓર્ડરના કુલ રૂ. 10 કરોડ થશે. આખરે ફરિયાદી આવી વાતો ધરાઈ જઈ આરોપીને કહ્યું પૈસા પરત લાવો. આરોપીઓએ ફરિયાદીને રૂ. 88 લાખ પરત આપી દીધાં. આ બધી વિગતો રાજકોટ DCP(ક્રાઈમ) જાગીશ બાંગરવાએ મીડિયા સમક્ષ જાહેર કરી છે.


