Mysamachar.in-
સરકારના વિવિધ વિભાગો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એવા હજારો અધિકારીઓ અને કર્મચારીઓ હોય છે જેમને નોકરીઓ દરમ્યાન ‘લખણ’ ઝળકાવવાની આદત હોય છે, હવે આવા ‘લખણખોટા’ તત્ત્વોને નિવૃતિ અગાઉ જ ‘સજા’ અપાવવા સરકારે એક યોજના તૈયાર કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઘણાં અધિકારીઓ અને કર્મચારીઓ કુંડાળાઓ કરતાં રહે છે. ઘણી કસરતો બાદ એમની વિરુદ્ધ ખાતાકીય તપાસો શરૂ થતી હોય છે. પરંતુ આવી તપાસો કરવાવાળા અધિકારીઓ ‘અપનેવાલા’ને બચાવી લેવા, આકાશપાતાળ એક કરતાં હોય એવા કિસ્સાઓ પણ બને છે.
ઘણાં ‘દાગી’ અધિકારીઓ અને કર્મચારીઓ નિવૃત થઈ જાય, વર્ષો સુધી પેન્શન સહિતના લાભો ઉઠાવતા રહે, ત્યાં સુધી એમની વિરુદ્ધની ખાતાકીય તપાસ ચાલતી રહે ! કેટલાંક કિસ્સાઓમાં તો આવા ‘દાગી’ઓ ગુજરી જાય ત્યાં સુધી તપાસો અધૂરી હોય ! આ પ્રકારની સ્થિતિઓને કારણે સરકારની આબરૂને ધક્કો પહોંચી રહ્યો છે. આથી સરકારે હવે નક્કી કર્યું કે, આવા ‘દાગી’ઓને તેઓ નિવૃત થઈ જાય એ પહેલાં જ તપાસ પૂર્ણ કરી, દબોચી લેવા.
આ માટે સરકારે નિવૃત ઉચ્ચ અધિકારીઓની ટીમ તૈયાર કરી. આ ટીમના અધિકારીઓને ખાસ વેતન આપવામાં આવશે. અને આ નિવૃત અધિકારીઓ નિયત સમયમાં સંબંધિત અધિકારીઓ વિરુદ્ધની ખાતાકીય તપાસ પૂર્ણ કરી લેશે. સરકારના આ પગલાંથી ઘણાં દાગી અધિકારીઓના વાળ ધોળા થાય એ અગાઉ જ એમના કાળા કરતૂતો બહાર આવી જશે. ઘણાં દાગી અધિકારીઓ અને કર્મચારીઓના નિવૃતિ પ્લાન બગડી જશે.
આ પ્રકારની તપાસ આ ખાસ ટીમે 6 મહિનામાં પૂર્ણ કરવી પડશે, નહિંતર આ તપાસ કરનારા ખાસ નિવૃત અધિકારીઓના વેતનમાં કાપ મૂકી દેવામાં આવશે. આ ‘કાપ’ની રકમ કરતાં મોટી રકમ ધારો કે આ ખાસ નિવૃત અધિકારીઓને ‘દાગી’ઓ પાસેથી મળી જશે તો ? ગુજરાતમાં કાંઈ પણ શક્ય છે. તો સરકારની આ યોજના ફેલ જશે !
અત્રે ઉલ્લેખનિય છે કે, આ વાત આમ તો ચાર વર્ષ જૂની છે. અમલ હવે શરૂ થયો. ઉપરાંત તપાસ ઝડપથી પૂર્ણ થનાર હોય અમુક અધિકારીઓ અને કર્મચારીઓમાં ડર રહેશે. આ ઉપરાંત હવે આવી તપાસ પોતાના વિભાગના અધિકારીઓને બદલે આ નિવૃત ઉચ્ચ અધિકારીઓ કરનાર હોય, પક્ષપાત પણ થોડો ઘટશે. પરિણામો સારાં મળશે તો, આ યોજના આગળ વધી શકશે. બાકી તો સૌ જાણે છે, ‘ગોઠવણ’ બધી જ જગ્યાઓ પર શક્ય હોય છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, રાજ્યના વિજિલન્સ વિભાગ સમક્ષ 10-10 વર્ષથી વધુ સમય માટે આવી તપાસો પડતર પડી છે ! જેમાં સૌથી વધુ ફરિયાદ શહેરી વિકાસ વિભાગમાં 2,996 છે. ‘વિકાસ’માં ખોટું વધારે થઈ શકે. બીજા ક્રમે, મહેસૂલ અને ત્રીજા ક્રમે પંચાયત વિભાગ છે. પોલીસ અને ઉદ્યોગ વિભાગો આ ફરિયાદો બાબતે રાજ્યમાં ચોથા અને પાંચમા ક્રમે છે.(file image)





