Mysamachar.in-બનાસકાંઠા:
પેટમાં દુખાવો થાય ત્યારે સામાન્ય રીતે આપણે સૌ પેઈનકિલર લઈને કામ ચલાવી લઈએ છીએ. પણ ઘણી વખત આ દુખાવા પાછળનું કારણ કંઈક બીજું સામે આવે છે. આવો જ એક કિસ્સો રાજ્યના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં ઑપરેશન કરતી વખતે ડૉક્ટરની ટીમ પણ થોડી ક્ષણ માટે ચોંકી ગઈ હતી. રાજસ્થાન રાજ્યની 30 વર્ષની મહિલા ભાગ્યે જ જોવા મળતી બીમારીનો શિકાર હતી.
આ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિ પોતાના માથાના વાળ પચાવી જાય છે. આ મહિલા છેલ્લા 20 વર્ષથી વાળ ચાવી જતી હતી. જેના કારણે એના જઠરમાં આવા વાળનો ગુચ્છો થઈ ગયો હતો. જેની લંબાઈ 2 ફૂટની થતી હતી. અંતે જઠરમાં અંદરની બાજું કાણું પડી ગયું હતું. વધુ સારવાર માટે મહિલાને ડીસાની આનંદ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. ડૉ. આનંદ પટેલે યુદ્ધના ધોરણે ઑપરેશન કરી મહિલાના જઠરમાંથી આશરે બે ફૂટ લાંબો વાળનો ગુચ્છો બાહર કાઢ્યો હતો. હાલમાં આ મહિલાની સ્થિતિ સારી છે અને તે સ્વસ્થ છે. ભવિષ્યમાં આવું બીજી વખત ન થાય એ માટે મહિલાની માનસિક સારવાર પણ ચાલું કરી દેવામાં આવી છે.
ડૉ. આનંદ પટેલે આ અંગે જણાવ્યું હતું કે,આ મહિલા છેલ્લા 20 વર્ષથી વાળ ખાઈ જતી હતી. પોતાના માથાના વાળ તોડીને પચાવી જતી. જેના કારણે જઠરમાં વાળનો ગુચ્છો બની ગયો હતો. જટિલ ઑપરેશન કરી બે ફૂટ વાળનો ગુચ્છો બાહર કાઢ્યો છે. મહિલાનો જીવ બચી ગયો છે. તે માનસિક રોગથી પીડાતી હોવાને કારણે એની સારવાર ચાલું છે. જોકે, આ એવો કિસ્સો છે કે, ઝડપથી માન્યમાં આવે એમ નથી. પણ આવા કિસ્સા મેડિકલ જગતમાંથી સામે આવતા તબીબો પણ ચોંક્યા છે.