Mysamachar.in-સુરતઃ
સામાન્ય રીતે મોટાભાગના લોકો પાસે સ્માર્ટ ફોન આવી ગયા છે, દરરોજ ઘણા લોકોના મોબાઇલ ફોન ગુમ થવાની ઘટના બનતી હોય છે, જો કે ઘણા લોકો મોબાઇલને નાની વસ્તુ ગણી ફરિયાદ કરવાનું ટાળતા હોય છે, પરંતુ ફરિયાદ ન કરવાનું કેવું ગંભીર પરિણામ આવે છે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. એક યુવકના ગુમ થયેલા મોબાઇલ ફોનનો દૂરઉપયોગ કરી અન્ય એક યુવકે મહિલાઓને બિભત્સ મેસેજ અને વીડિયો કોલ કર્યા. સમગ્ર બાબતે જ્યારે સાયબર ક્રાઇમે ગુનાનો ભેદ ઉકેલ્યો તો અનેક રોચક માહિતી સામે આવી હતી.
સુરતના પુણાગામમાં રહેતો અને દિલ્હીગેટ હીરાની કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરતાં યુવકનો થોડા સમય પહેલા મોબાઇલ ગુમ થઇ ગયો હતો. ત્યારબાદ તેણે નવો ફોન ખરીદી તેમાં ફેસબૂક એકાઉન્ટ શરૂ કર્યું. જેવું તેણે નવા ફોનમાં લોગઇન કર્યું તો તુરંત તેને મેસેજ આવ્યો કે તેના એકાઉન્ટમાંથી પાડોશમાં રહેતી અને સંબંધી મહિલાઓને બિભત્સ મેસેજ અને વીડિયો કોલ કરી હેરાન કરવામાં આવી છે. મેસેજ વાંચતાની સાથે જ 27 સપ્ટેમ્બરે યુવક સીધો સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં તેણે સમગ્ર વિગત પોલીસને જણાવી. ત્યારબાદ પોલીસ તપાસ હાથ ધરી તો જાણવા મળ્યું કે ફરિયાદી યુવકનું ફેસબૂક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.
પોલીસે તપાસ કરતાં બહાર આવ્યું કે જામનગરમાં રહેતા કૌશિક સંઘાણી નામના યુવકે ફરિયાદી સુરતના યુવકનું ફેસબૂક એકાઉન્ટ હેક કરી લીધું હતું. તપાસમાં કૌશિકે જણાવ્યું કે ફરિયાદી યુવક અને તે ઓનલાઇન તીનપત્તી ગેમ સાથે રમતાં હતા, જો કે સુરતના યુવકની તીનપત્તીની 30 લાખની ચિપ્સ મેળવવા માટે કૌશિકે તેનું ફેસબૂક એકાઉન્ટ હેક કર્યું હતું. ફેસબૂક એકાઉન્ટ હેક થઇ જતા કૌશિકે સુરતના યુવકના એકાઉન્ટમાંથી તેની આસપાસ રહેતી મહિલાઓ તથા સંબંધી મહિલાઓને બિભત્સ મેસેજ અને વીડિયો કોલ કર્યા હતા. સમગ્ર બાબતની કૌશિકે પોલીસ સમક્ષ કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


























































