Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં રખડતાં પશુઓ અને આવારા કૂતરાંનો ત્રાસ લાખો નગરજનો અનુભવી રહ્યા છે. નગરજનોને આ ત્રાસમાંથી છોડાવવાના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ચિંતાઓ કરી રહી છે, એવું JMCના રેકર્ડ પરથી સમજાઈ રહ્યું છે.
સુપ્રિમ કોર્ટની એવી ગાઈડલાઈન છે કે, દેશભરના શહેરોની સરકારી હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ, રખડતાં પશુઓ અને આવારા કૂતરાંના ત્રાસથી મુક્ત રહી શકે એ માટે ઉપરોકત તમામ સંસ્થાઓમાં, આ કામગીરીઓ પર દેખરેખ રાખવા એક એક નોડલ ઓફિસરની નિયુક્તિ કરવાની રહે છે.
આ ગાઈડલાઈન અનુસાર, જામનગર મહાનગરપાલિકાએ પત્ર લખ્યા બાદ જીજી હોસ્પિટલ દ્વારા એક નોડલ ઓફિસરને આ જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જીજી હોસ્પિટલમાં હાલમાં જ કેસબારી નજીક કેન્સરના એક પુરુષ દર્દીનો હાથનો પંજો એક આવારા કૂતરાંએ ફાડી ખાધો.
જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના સૂત્રના જણાવ્યા અનુસાર, શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓને મહાનગરપાલિકાએ પત્રો લખ્યા છે અને આ કામગીરીઓ માટે પોતાની સંસ્થાઓમાં નોડલ ઓફિસરની નિયુક્તિ કરવાની પ્રોસેસ હાથ ધરવા કહેવાયું છે. અહીં ખૂબીની વાત એ લેખાવી શકાય કે, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી હોસ્પિટલની આ ચિંતાઓ કરતી જામનગર મહાનગરપાલિકા શહેરીજનોને શહેરમાં રખડતાં પશુઓ અને કૂતરાંના ત્રાસમાંથી મુક્ત કરાવવા, જે કાંઈ કામગીરીઓ કાગળ પર કે જમીન પર કરી રહી હોય, એ કામગીરીઓની અસરો કયાંય દેખાતી નથી. રખડતાં પશુઓ અને આવારા કૂતરાંનો ત્રાસ લાખો નગરજનો માટે ગંભીર વિષય બની ચૂક્યો છે


