Mysamachar.in-
દેશના અન્ય કેટલાંક રાજ્યો માફક વિકસિત માનવામાં આવતા ગુજરાતમાં પણ ‘બાળમજૂરી’ની સમસ્યા દાયકાઓ જૂની છે. જો કે સરકારનો દાવો એ છે કે, આ સમસ્યાને નાથવા અનેક પગલાંઓ લેવામાં આવે છે. કાયદામાં જરૂરી સુધારો પણ કરવામાં આવ્યો છે. બીજી તરફ પાછલાં પાંચ વર્ષના આ ક્ષેત્રના આંકડા નોંધપાત્ર નથી, એકદમ સામાન્ય અને નામ પૂરતા છે.
સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, રાજ્યમાં પાંચ વર્ષ દરમિયાન 4,824 દરોડા પાડવામાં આવ્યા. એટલે કે આવડા મોટા રાજ્યમાં વર્ષે 1,000 દરોડા પણ પડતા નથી. 33 જિલ્લાઓ ગણો તો વર્ષે એક જિલ્લામાં 30 રેડ પણ થતી નથી. આ હિસાબે એક જિલ્લામાં આ તંત્ર મહિને માત્ર 2-3 રેડ પાડે છે. અને, આ રેડ પણ નોંધપાત્ર નથી હોતી, રેકર્ડ ઉભું કરવા પૂરતી હોય છે.
સરકારના આંકડાઓ ખુદ કહે છે કે, છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન આખા રાજ્યમાં એક પણ નોકરીદાતાને કેદની સજા થયાનો દાખલો નથી. આવી સ્થિતિઓ હોય તો, બાળકોને મજૂરી પર રાખનાર નોકરીદાતા તંત્રથી ફફડે શા માટે ? જો કે સરકારે આજે 12મી જૂને બાળમજૂરી વિરોધ દિવસે એમ કહ્યું છે કે, દેશમાં એક માત્ર ગુજરાત એવું રાજ્ય છે જેણે આ કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કર્યો છે.
સરકારે બહાર પાડેલા આંકડાઓ મુજબ, રાજ્યમાં પાંચ વર્ષ દરમ્યાન 616 બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. મતલબ દર વર્ષે 33 જિલ્લાઓમાંથી 123 બાળકો મુક્ત થયા. વર્ષે એક જિલ્લામાં 3.72 ની સરેરાશથી બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવે છે. એક જિલ્લાનું તંત્ર દર મહિને 0.31ની સરેરાશથી બાળકને મજૂરીમાંથી છોડાવે છે. મતલબ, દર 3 મહિને 1 બાળક પણ નહીં. આ આંકડાઓ સરકારના છે.
-જામનગર જિલ્લામાં બાળમજૂરી સંબંધે શું કાર્યવાહીઓ થઈ ?..
જામનગર જિલ્લામાં છેલ્લા 3 વર્ષ દરમ્યાન 31 બાળકોને મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લામાં 82 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા જે પૈકી 18 યુનિટ વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં આવી છે. મુક્ત કરવામાં આવતા બાળકોને પ્રથમ ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવે છે, બાદમાં તેના માતાપિતાને સોંપવામાં આવે છે.
-સરકાર બાળમજૂરી અંગે શું કહી રહી છે-જાણો..
સરકાર કહે છે: બાળક સમાજનું એક એવું બીજ છે, જેને સાચું અને યોગ્ય વાતાવરણ મળે તો તે ભવિષ્યનું સુંદર ફળ આપતું વૃક્ષ બને છે. જ્યારે બાળક શાળાના વર્ગખંડને બદલે કારખાનાની ભઠ્ઠી કે ચા ની કોઈ ટપરી પર જોવા મળે ત્યારે, દેશની પ્રગતિ અટકી જાય છે. સરકાર આ બાબતની ગંભીરતા સમજીને બાળમજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા અનેક પગલાંઓ લઈ રહી છે. આ માટે દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.