Mysamachar.in:સુરત
ચિકલીકર ગેંગ ગુનાખોરીની દુનિયામાં વર્ષોથી કુખ્યાત છે. આ ગેંગનાં સાગરિતોએ લગભગ બધાં જ પંથકોમાં ગુનાઓ આચર્યા છે. આ ગેંગનાં બે સાગરિતો, આખરે સુરત પોલીસનાં હાથમાં આવી ગયા છે. આ ગુનેગારોની પૂછપરછમાં જામનગર સહિતનાં વિસ્તારોમાં તથા ગુજરાત અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં આચરવામાં આવેલાં ગુન્હાઓના ભેદ ઉકેલાઈ શકે છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 70 થી વધુ ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું સુરતની ખટોદરા પોલીસે જાહેર કર્યું છે.
જુદાં જુદાં રાજ્યોના અલગ અલગ પંથકોમાં આ ગેંગ લૂંટ, ધાડ, ચોરીઓ, અપહરણ અને હત્યા પ્રયાસ સહિતનાં અંદાજે 70 જેટલાં ગુનાઓમાં સંડોવાયેલી છે. જેનાં બે ખૂંખાર સાગરિતો ઝડપાઈ ગયા છે. આ બે શખ્સોના કબજામાંથી સોના ચાંદીનાં દાગીના અને મોટરસાયકલ વગેરે મળી કુલ રૂ.10,16,200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ બંને શખ્સો સોનું ચાંદી વેચવાની પેરવીમાં છે એવી બાતમીના આધારે ખટોદરા પોલીસે આ બંનેને ઝડપી લીધા હતાં. અને પૂછપરછ શરૂ કરી છે. આ આરોપીઓનાં નામો : રાહુલ ઉર્ફે પંડિતસિંહ ઉર્ફે ધર્મસિંહ બાદલ બંજારા અને અર્જુનસિંગ બચ્ચનસિંગ ચિકલીકર છે. આ શખ્સો નંબર પ્લેટ વિનાનાં બાઈક પર ભાગી રહ્યા હતા. સુરત ડીસીપી સાગર બાગમરેએ જણાવ્યું છે કે, આ બંને શખ્સો ખૂંખાર અને રીઢા ગુનેગાર છે. 70થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે. ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યમાં પણ આ ગેંગનાં સાગરિતોએ સંખ્યાબંધ ગુનાઓ આચર્યા છે.
આ બે પૈકી રાહુલ ઉર્ફે પંડિતસિંહ ઉર્ફે ધર્મસિંહ નામનાં શખ્સ વિરુદ્ધ રાજસ્થાનના પાલી, પરભણી ઉપરાંત મહારાષ્ટ્રનાં નાંદેડ, બીડ, અકોલા તેમજ ગુજરાતમાં જામનગર, રાજુલા સહિતના જુદાજુદા 67 જેટલાં પોલીસમથકમાં ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત આરોપી અર્જુનસિંહ વિરૂદ્ધ જામનગર, ઉપલેટા, ધોરાજી, અજમેર અને અલવર સહિતના વિવિધ 25 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. આ શખ્સને વર્ષ 2015માં સુરતમાંથી બે વર્ષ માટે તડીપાર પણ કરવામાં આવ્યો હતો. આ શખ્સોની હાલની હિસ્ટ્રી મુજબ, આ શખ્સો મહારાષ્ટ્રની જેલમાંથી છૂટી ગુનો આચરવાના ઈરાદે સુરત આવ્યા હતાં. સુરતમાં તાજેતરમાં આ શખ્સોએ કોઈ ગુનો આચર્યો છે કે કેમ ? તેની પૂછપરછ ચાલી રહી છે. આ આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી એવી છે કે, વહેલી સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન આ શખ્સો ઘરફોડ ચોરીઓ સહિતની ચોરીઓને અંજામ આપતાં હતાં. આ શખ્સોના કબજામાંથી ગુનાઓ માટેનાં હથિયારો, ડીસમિસ વગેરે ઝડપાઈ ગયા છે.