Mysamachar.in-બનાસકાંઠા
હમણાં હમણાં રાજ્યભરમાં એસીબીએ તવાઈ બોલાવવાની શરૂઆત કરી છે, અને એક બાદ એક અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબી પગલા લઇ રહી છે, ત્યારે મહિલા અધિકારી પણ કટકી લેવામાં પાછળ નથી તેનું ઉદાહરણ બનાસકાંઠામાં સામે આવ્યું છે, જ્યાં પાલનપુર અને પાટણમાં દ્રિચક્રી વાહનોનું રજીસ્ટ્રેશન કરતાં વ્યકિત પાસેથી વેચાણ થયેલા વાહનોના ફોર્મનું વેરીફિકેશન કરવા રૂ. 83.200 ની લાંચ લેતાં ડ્રાઈવરને એસીબીએ આરટીઓ ઓફિસમાં જ મંગળવારે ઝડપી લેતાં ચકચાર મચી છે. ઈન્ચાર્જ આરટીઓ દ્રષ્ટિબેન જયંતીભાઇ પટેલ અને ડ્રાઈવર પંકજ ચૌધરી સામે ગુનો નોંધ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા ઇન્ચાર્જ મહિલા આરટીઓ અધિકારી અને તેમના વાહનચાલકને મંગળવારે પાટણ એસીબીની ટીમે લાંચ લેતાં રંગે હાથે ઝડપી લીધા હતા.આ અંગે એસીબી પાસેથી મળતી માહિતી પ્રમાણે પાલનપુર અને પાટણમાં દ્રિચક્રી વાહનોના શો-રૂમમાંથી વેચાણ થયેલા નવા વાહનોનું રજીસ્ટ્રેશનનું કામ કરતાં વ્યકિત પાસેથી ઓન લાઇન ફી ભરાતી હોવા છતાં બનાસકાંઠા ઇન્ચાર્જ આરટીઓ દ્રષ્ટિબેન જયંતીભાઇ પટેલ એ ફોર્મનું ઇન્સપેકશન તથા વેરીફાઇ કરવા માટે ગત માસમાં વેચાણ થયેલા વાહનોના ફોર્મ પેટે કુલ રૂપિયા 83,200ની લાંચની માંગણી કરી હતી.
અને આ રકમ કચેરીના કરાર આધારિત વાહન ચાલક પાલનપુર તાલુકાના લાલાવાડાના પંકજકુમાર નાથુભાઇ ચૌધરીને આપી દેવા કહ્યું હતું. જોકે, વાહન રજીસ્ટ્રેશનનું કામ કરતાં વ્યકિત આ રકમ આપવા માંગતા ન હોઇ પાટણ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મંગળવારે પાલનપુર ખાતે આવેલી બનાસકાંઠા જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીમાં સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું. જ્યાં કરાર આધારિત ડ્રાઇવર પંકજ ચૌધરીને રૂપિયા 83,200ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લેવાયો હતો. આ અંગે બંને સામે ગૂનો નોંધી મદદનીશ નિયામક ભૂજ બોર્ડર એકમ એસીબીના કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.