Mysamachar.in-રાજકોટ:ભાવનગર:
સૌરાષ્ટ્ર પ્રદેશ માટે આજનો શનિવાર લોહીયાળ પૂરવાર થયો છે. એક ઘટનામાં પત્નીના પ્રેમસંબંધને કારણે બબાલ થઈ અને અન્ય એક ઘટનામાં એક યુવતિને લગ્નના દિવસે જ મોત મળતાં આ બે ઘટનાને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં સનસનાટી મચી ગઈ છે. એક બનાવ રાજકોટનો છે. નાગેશ્વર વિસ્તારમાં એક પુરૂષે પત્ની પર 4 ગોળી છોડી. પત્ની લોહીલુહાણ હાલતમાં ગંભીર છે અને તેણીને હોસ્પિટલમાં તાકીદની સારવાર આપવામાં આવી રહી છે. પત્ની પર ફાયરીંગ કર્યા બાદ આ પતિએ ખુદની રિવોલ્વરથી લમણે ગોળી ધરબી આપઘાત કરી લીધો.
આ મામલામાં પતિનું નામ લાલજી પઢિયાર છે. પતિ પત્ની દોઢેક મહિનાથી અલગ રહેતાં હતાં. મહિલા પોતાની સહેલીને ત્યાં રહે છે. આ મહિલાને પોતાના ભત્રીજા સાથે ‘સંબંધ’ છે, બંનેની તસવીર પણ વાયરલ થઈ છે. મહિલાનો પતિ એક ધાર્મિક સંસ્થામાં સેવક છે. આજે સવારે પત્ની યોગમાંથી પરત ફરી રહી હતી ત્યારે પતિએ તેણી પર ફાયરીંગ કરી ખુદે આપઘાત કરી લીધો. પત્ની ગંભીર છે પણ હાલ બચી ગઈ છે.
અન્ય એક ઘટના ભાવનગરની છે. ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આ ઘટના બની. આ ઘટનામાં આજે સવારે એક યુવતિની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી. આ યુવતિના આજે લગ્ન હતાં અને તેણીના ભાવિ પતિએ જ તેણીને મારી નાંખતા ભાવનગરમાં અરેરાટી મચી ગઈ.
અહીં ટેકરીચોક વિસ્તારમાં રહેતાં હિંમતભાઈ જિવાભાઈ રાઠોડની આ દીકરીનું નામ સોનલ ઉર્ફે સોની હતું. તેણીના ઘરમાં જ તેણીની હત્યા કરી, આરોપી નાસી પણ ગયો. આ શખ્સ સાથે સોનલ અત્યાર સુધી લિવ-ઈનમાં રહેતી હતી. અને આજે બંનેના લગ્ન હતાં. આરોપીનું નામ સાજન છે, સોનલનો ‘સાજન’ કાળ બન્યો. આ ઘટનાએ ભાવનગરમાં ચકચાર સર્જી દીધી છે.


