Mysamachar.in-જામનગર:
જામનગરમાં કચરામાંથી વીજળી ઉત્પાદન કરતો પ્લાન્ટ મહિનાઓથી બંધ છે અને બીજી તરફ મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પર ઘન કચરાને પ્રોસેસ કરતો પ્લાન્ટ ચોમાસાને કારણે બંધ હોવાથી આ ડમ્પિંગ સાઈટ પર હજારો ટન કચરો એકત્ર થઇ ગયો છે. ચોમાસામાં પલળેલો આ કચરો ગંધાઈ રહ્યો છે. જામનગર-રાજકોટ રોડ પરથી જે લોકો શહેરમાં પ્રવેશી રહ્યા છે અથવા વિદાય લઈ રહ્યા છે, તે તમામ હજારો લોકોએ આ પલળેલા કચરાની ભયાનક દુર્ગંધ અનુભવવી પડી રહી છે.
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ચારેક મહિનાથી બંધ છે. અગાઉ અહીં દૈનિક 350 ટન જેટલો કચરો શહેરમાંથી એકત્ર કરી ઠાલવવામાં આવતો. પરંતુ આ વીતેલા ચાર મહિના દરમ્યાન અહીં ઠાલવવાનો આશરે 42,000 ટન જેટલો ઘનકચરો હાલ ડમ્પિંગ સાઈટ પર જમા કરવામાં આવ્યો છે અને રોજ આશરે વધુ 350 ટન જેટલો કચરો અહીં ઠલવાઈ રહ્યો છે. જેને કારણે અહીં કચરાના ડુંગરો ખડકાઈ ગયા છે.
આ ડમ્પિંગ સાઈટ પર આ ઘનકચરાના નિકાલ માટે અન્ય એક ખાનગી કંપનીને પ્રોસેસ માટેની કામગીરીઓ સોંપવામાં આવી છે પરંતુ હાલ ચોમાસાની સિઝન હોય, આ પ્રોસેસિંગ યુનિટ પણ બંધ છે, જેને કારણે અહીં રોજેરોજ નવો ટનબંધ કચરો ઠલવાઈ રહ્યો છે તે પણ વરસાદમાં પલળી કોહવાઈ રહ્યો છે. અને, વરસાદી પાણીના વહેણ સાથે આ કચરામાંથી અમુક જથ્થો દરિયા તરફ વહી દરિયાને પ્રદૂષિત કરી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગાંધીનગર ખાતેનો પ્લાન્ટ બંધ કરી દીધાં પછી કંપની જામનગરમાંથી ઉચાળા ભરી ચૂકી છે. જામનગર મહાનગરપાલિકાએ આ કંપનીને અગાઉ બે સાદી નોટિસ આપ્યા બાદ હવે મહાનગરપાલિકાએ આ કંપનીને લીગલ નોટિસ પાઠવી છે, જો કે હાલના તબક્કે મહાનગરપાલિકા આ બંધ પ્લાન્ટની જમીન પરત લઈ શકવાથી વધુ કશું કરી શકે એમ ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.