Mysamachar.in-જામનગર:
જામનગરની સિટી સી ડિવિઝન પોલીસે શહેરના સંસ્કારી માનવામાં આવતાં રણજિતનગર વિસ્તારમાં, કારમાં શરીરસુખ માણવાની વ્યવસ્થાઓ કરી આપતાં એક શખ્સને ઝડપી લીધો છે. અને, આ ‘ધંધા’માં ઉપયોગમાં લેવાયેલી કાર કબ્જે લીધી છે. સિટી સી ડિવિઝન પોલીસમથકમાં પોલીસે ખુદે ફરિયાદી બની આ ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રણજિતનગર વિસ્તારમાં પ્રણામી સ્કૂલ પાછળ, નવા હુડકાના બ્લોક નંબર સી-9 માં ફ્લેટ નંબર 1925માં રહેતો, અને પોલીસમાં જાહેર થયા અનુસાર કોઈ જ ધંધો ન કરતો, અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા (48) નામનો શખ્સ દેહ વ્યાપારના ગેરકાનૂની વ્યવસાયમાં ઝડપાઈ ગયો છે.જયારે દિલીપ દ્વારકા વાળાને ફરાર દર્શાવ્યો છે.
પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગતો અનુસાર, નવા હુડકા વિસ્તારના એક બ્લોકના મેદાનમાં કારની અંદર શરીરસુખ માટેની વ્યવસ્થાઓ આ શખ્સ કરી આપતો હતો. મહિલાઓને પુષ્કળ પૈસાની લાલચ આપી આ બિઝનેસ ચલાવનારો આ શખ્સ પોતાની કારમાં પોલીસ અને પોલીસ ઈન્સ્પેક્ટર એવા બોર્ડ પણ રાખતો. ચોક્કસ પ્રકારના લોકો પાસેથી નાણાં મેળવી, કમિશનથી આ ધંધો કરવામાં આવતો હતો. પોલીસે કાર નંબર GJ-10-BR-2999 સહિત કુલ રૂ. 15.54 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આ શખ્સ વિરુદ્ધ BNSની કલમ 204, 205 તથા ઈમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ 3(1), 4(1), 5(1), 5(1b) તથા 6(1) મુજબ ગુનો દાખલ કર્યો છે.