Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકાર રાજ્યના બંદરોના વિકાસને પ્રમોટ કરવાની દિશામાં ઝડપભેર આગળ વધી રહી છે. સરકારે નવી 6 પોલિસીને એકસાથે લીલીઝંડી આપી દીધી હોય, બંદરીય પ્રવૃત્તિઓ કરતી કંપનીઓ કે આગામી સમયમાં આ ક્ષેત્રમાં રોકાણ કરવા ઈચ્છતી કંપનીઓ પોતાના બિઝનેસને વધુ વાઈબ્રન્ટ બનાવી શકશે.
સરકાર સાથે સંકળાયેલા આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ 6 પોલિસી અને નિયંત્રણની ફાઈલ તૈયાર કરવામાં આવી છે. સરકારે આ તમામ 6 પોલિસીઝ મંજૂર કરી દીધી છે તેથી નજીકના સમયમાં આ પોલિસીઝની વિધિવત્ જાહેરાત થઈ જશે.
GMBએ બંદરો માટેની જમીન, મેનેજમેન્ટ ઓફ ટ્રાફિક, વેસલ, શિપયાર્ડ સહિતની વિવિધ બાબતો સંબંધે આ નીતિઓ ઘડી છે. ગુજરાત ઈનલેન્ડ વેસલ્સ એકટને અમલી બનાવવા 2 નવા રેગ્યુલેશન જાહેર કરવામાં આવશે. આનંદપ્રમોદ માટેની બોટ સંબંધે પણ નિયમો બનાવાયા છે. આ બધી નીતિઓમાં વેસલ, શિપયાર્ડ અને જમીન સંબંધિત નિયમોમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. નજીકના ભવિષ્યમાં આ બાબતે જાહેરાત થઈ શકે છે.


