Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદ એરપોર્ટ નજીક જ ગત્ 12મી જૂને એક વિમાન અગનગોળો બની બોમ્બ માફક ફાટી પડ્યું હતું જેમાં પૂર્વ CM વિજય રૂપાણી સહિત 272 પ્રવાસી જિવતાં ભડથું થઈ ગયા હતાં. આ અકસ્માત પહેલાં પણ આ વિમાનની ‘તબિયત’ બરાબર ન હતી, એમ એક તાજા રિપોર્ટમાં કહેવાયું છે.આ અકસ્માતના પ્રાથમિક રિપોર્ટમાં કહેવાયું હતું કે, ઈંધણ સ્વિચ કટ ઓફ થઈ ગઈ હતી. અને, આ સંબંધે અકસ્માત અગાઉની બંને પાયલોટની રેકોર્ડેડ વાતચીતના અંશો પણ જાહેર થયા હતાં.ત્યારબાદ આ મહાભયાનક અકસ્માત અંગેનો વધુ એક રિપોર્ટ ગત્ મોડી રાત્રે મીડિયાકર્મીઓ સુધી પહોંચી ગયો. જેમાં જણાવાયું છે કે,
આ અકસ્માત સર્જાયો એ અગાઉના અમુક કલાકો દરમ્યાન આ વિમાનમાં કેટલીક ટેક્નિકલ ખામીઓ હતી.આ રિપોર્ટ એમ પણ કહે છે કે, રેકર્ડ પરની જાણકારીઓ અનુસાર આ અકસ્માત પહેલાં આ વિમાનની જે આગલી ટ્રીપ હતી તે ટ્રીપ દરમ્યાન વિમાનને ઉતરાણ કરવામાં તકલીફ થઈ હતી. આ તકલીફ હાર્ડ હતી. આથી આ વિમાનનો અકસ્માત સર્જાયો તેના થોડાં કલાક અગાઉ આ વિમાનમાં સ્ટેબિલાઈઝર મોટર ટ્રીમ સંપૂર્ણપણે બદલી નાંખવામાં આવી હતી.
આ વિમાનનો મેન્ટેનન્સ રેકોર્ડ કહે છે: આ વિમાન અકસ્માતનો ભોગ બન્યું એ દુર્ઘટનાના આગલા જ દિવસે, વિમાનનું સ્ટેબિલાઈઝર પોઝિશન ટ્રાન્સડયુસર એટલે કે સેન્સર અને હોરિઝોન્ટલ સ્ટેબિલાઈઝર ઈલેક્ટ્રીક મોટર કંટ્રોલ યુનિટ બદલાવવામાં આવ્યા હતાં. આ બાબત આમ જો કે સારી કહેવાય પરંતુ અહીં સમસ્યાઓ કંઈક ગહન હતી, જે મેન્ટેનન્સ સમયે ધ્યાન પર આવી નહીં !
આ ભયાનક દુર્ઘટના સર્જાઈ એ પહેલાંના 48 કલાક દરમ્યાન વિમાનમાં 3 મોટાં અને ગંભીર ઈલેક્ટ્રીક ફોલ્ટ સર્જાયા ! જેમાંનો એક ફોલ્ટ બળતણની ટાંકી સાથે રિલેટેડ હતો. આટલી ગંભીર સમસ્યાઓ એક ચિંતાનો વિષય હતો. આમ છતાં આ ફલાઈટ રદ્દ ન થઈ. નિયત સમયે ફલાઈટ યોજવામાં આવી અને સદીની સૌથી ભયાનક દુર્ઘટનાએ આકાર લીધો !


