Mysamachar.in-બનાસકાંઠા
માર્ગ સલામતી સપ્તાહોની ઉજવણીઓ બહુબધી થાય છે, પણ ખરેખર ક્યાં રસ્તા પર કઈ રીતે ગાડી ચલાવવી તેની લોકોને સમજ આપવામાં આવતી નથી, અને વાહનચાલકો પણ આડેધડ વાહનો ચલાવે છે જેથી છાશવારે અકસ્માતોના ગંભીર બનાવો સામે આવતા રહે છે, આવો જ વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો જેમાં ચાર જિંદગી કાળનો કોળીયો બની જવા પામી છે, બનાસકાંઠાના ભાભરના ખારા ગામ પાસે કાર અને બાઈક ધડાકાભેર અથડાયા હતા. જેમાં કાર સહિત બાઈકનો ડુચ્ચો બોલી ગયો હતો તો ઘટનામાં 4 લોકોના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.
ભાભર તાલુકામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે. બનાસકાંઠાના ભાભરમાં ખારા ગામ પાસે સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયાનું સામે આવ્યું છે. બાઈક સવાર સહિત સ્વીફ્ટ કાર ચાલકના થઈને કુલ ચારના મોત થયા છે. આ ગોઝારી ઘટનામાં ભોગ બનનાર ત્રણ ખારા ગામના હોઈ ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે. આજે સવારે આ ઘટના બનતા સ્થાનિક લોકો ભેગા થયા હતા, ત્યારબાદ પોલીસને જાણ કરાતા ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે તમામ મૃતદેહોને પી.એમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

























































