Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં એક ખૂબી છે- સરકારી વિભાગો, અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી લોકો ઘણી બાબતો ‘શીખી’ રહ્યા છે કેમ કે, સરકારી તંત્રોની કામ કરવાની અને કામ ઉતારવાની કળાઓ હંમેશા રસપ્રદ રહી છે. જો કે, અહીં માત્ર પ્રદૂષણ નિયંત્રણ વિભાગનું જ ઉદાહરણ પ્રસ્તુત છે.
જામનગરમાં હજારો નાનામોટાં ઉદ્યોગ રાતદિવસ ધમધમે છે, પરંતુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી છાતી ઠોકીને કહી રહી છે કે, જામનગરમાં હવાની શુદ્ધતા બાબતે કોઈએ, કોઈ પણ પ્રકારની ચિંતાઓ કરવાની જરૂર નથી. આ કચેરીના આ પ્રકારના નિવેદન બાબતે ઉલ્લેખનિય મુદ્દો એ છે કે, આ કચેરીના વડા જી.બી.ભટ્ટ હકારાત્મક જિવનશૈલી ધરાવે છે. એમની દ્રષ્ટિએ પ્રદૂષણ બાબતે જામનગર ચોખ્ખું છે.
વાત જામનગરની મોટી ગટર સમાન નદીના પ્રદૂષણની હોય કે દરેડ-શંકરટેકરી ઉદ્યોગનગરની હોય, કે પછી વાહનવ્યવહારના પ્રદૂષણની વાત હોય કે શહેરના ગાંધીનગર વિસ્તારમાં હવાને પ્રદૂષિત કરતાં કચરા પ્લાન્ટની વાત હોય કે મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઈટના પ્રદૂષણની બાબત હોય- આ વડા અધિકારી લોકોને હંમેશા પ્રદૂષણ બાબતે ધરપત આપવા ટેવાયેલા છે, એમના મતે બધું જ સંતોષકારક રીતે ચાલી રહ્યું છે. Be Positive એમનો જિવનમંત્ર છે. એટલે, જામનગરના પ્રદૂષણ બાબતે નગરજનોએ પણ કોઈ પણ પ્રકારની ચિંતાઓ કરવી નહીં. Be Positive.
જામનગર શહેરની એક અજાયબી જાણી રાખો: શહેરના સુમેર કલબ રોડ પર આવેલી ફીશરીઝ વિભાગની કચેરી પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે હવાની શુદ્ધતા માપવા એક યંત્ર ગોઠવ્યું છે. કદાચ, માછલાંથી ફેલાતા પ્રદૂષણ માપવા અહીં યંત્ર મૂકવામાં આવ્યું હોય તેમ બને. આ રસ્તા પર સૌથી વધુ ટ્રાફિક જામ અને તેને કારણે ઉદભવતું પ્રદૂષણ સૌથી વધુ આ 3 સ્થળે હોય છે: 1, દિગ્વિજય પ્લોટ 58 પાસેનું જંક્શન, 2, જોલી બંગલા ચાર રસ્તા અને 3, એસટી અથવા સાત રસ્તા. આ સ્થળો પર યંત્ર મૂકવામાં આવ્યા નથી.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આવું એક યંત્ર રામેશ્વરનગરમાં રાખ્યું છે. તંત્રનો તર્ક એવો હોય શકે કે, અહીં પશુઓના છાણ-પોદળા અને મૂત્રનું પ્રદૂષણ ઝડપાઈ જાય. અહીંથી થોડે દૂર ગાંધીનગર વિસ્તારમાં કચરા પ્લાન્ટ છે, ત્યાં યંત્ર મૂકવામાં આવ્યું નથી. હાલ જો કે આ પ્લાન્ટ બંધ છે.આવું અન્ય એક મશીન જિલ્લા સેવાસદન પાસે છે- ત્યાં ક્યુ પ્રદૂષણ માપવાનું હોય ?! હવાનું પ્રદૂષણ માપવા આ જ રોડ પર એમ.પી.શાહ ઉદ્યોગનગર ખાતે યંત્ર મૂકી શકાય. ત્યાં નથી.
જામનગરના ચોખ્ખી હવાના એક્શન પ્લાન અંગે શું કહ્યું ?..
જામનગર મહાનગરપાલિકાએ તાજેતરમાં રૂ. 20 કરોડનો આ પ્લાન જાહેર કર્યો છે, તે અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આ વડા કહે છે: અમે અને JMC સંકલનમાં આ કામગીરીઓ કરીશું. શહેરમાં જ્યાં જયાં વાહનવ્યવહાર વગેરેના પ્રદૂષણ હશે તે માપીશું. શહેરની હવા ચોખ્ખી બને તે માટે પ્રયાસ કરીશું ? (આ સંબંધે નગરજનો એ પ્રશ્ન પૂછી શકે કે, હાલ હવા ચોખ્ખી નથી ?! તમે જ કહો છો, ચિંતાઓ નથી. તો પછી રૂ. 20 કરોડનું આંધણ શા માટે ?! અને આટલાં વર્ષ તંત્ર ક્યાં હતાં ? કેન્દ્ર સરકારની આ યોજના તો 6 વર્ષ અગાઉ જાહેર થઈ ગઈ હતી !)





