Mysamachar.in:સુરત
સુરત ક્રાઈમ બ્રાંચને એક ગેંગ ઝડપી પાડવામાં સફળતા મળી છે, પકડાયેલા તમામ 10 આરોપીઓ લોકોની નજર ચૂકવીને ખુબ જ શિફ્ફ્તથી ચોરી કરતા હતા. ગેન્ગના 10માં થી પાંચથી છ ઈસમોની એક ગેંગ બનાવીને ચોરીને અંજામ આપતા હતા. આ આરોપીઓ સૂમસામ જગ્યાએ પાર્ક કરેલી કારનો કાચ ગિલોલમાં છરા ભરાવી તોડી કારમાં રહેલી રોકડ અને કિંમતી ચીજ વસ્તુની ચોરી કરતા હતા. ઉપરાંત રસ્તા પર રૂપિયાની નોટ રાખીને અને તમારી કારમાંથી ઓઈલ ટપકે છે તેમ જણાવી કાર ચાલક બહાર નીકળતા જ અન્ય વ્યક્તિ કારમાંથી રૂપિયાની ચોરી કરતા હતા. આ ઉપરાંત શરીર પર મેલું નાખી નજર ચૂકવીને તથા બેંકમાં નજર ચૂકવી ચોરીને અંજામ આપતા હતા. લાંબા સમયથી આ ગેંગને ઝડપી પાડવા પોલીસ કાર્યરત હતી જેને અંતે સફળતા મળી છે.
આ આંતર રાજ્ય ગેંગને ઝડપી પોલીસને મોટી સફળતા મળી છે. તમિલનાડુની ત્રિચીની ગેંગથી ઓળખાતી આ ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે. સુરત, આણંદ અને રાજકોટ સહિત 4 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. આ ગેંગ ગુનો આચર્યા બાદ તુરંત શહેર છોડી બીજા શહેરમાં જતી રહેતી હતી. પોલીસ પકડમાં ના આવે તે માટે કોઈ હોટલમાં રોકાણ કરતા નહીં. આ ગેંગના સભ્યો ફૂટપાથ, રેલવે સ્ટેશન કે બ્રીજ નીચે ખુલ્લી જગ્યામાં રાત્રિ રોકાણ કરી ગુનાને અંજામ આપતી હતી.
સુરતના ઊગત કેનાલ રોડ પર રહેતા કેતન કાંતિલાલ દોશી ગત 7 એપ્રિલ 2023ના રોજ ઘરેથી 4.80 લાખની રોકડ ભરેલી બેગ કારમાં મૂકી પોતાની કારમાં અડાજણ આનંદ મહલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક ફોન આવતા તેઓ કાર ઉભી રાખીને ફોન પર વાત કરતા હતા. તે દરમિયાન એક ઇસમ કારની થોડે દૂર આવીને ઇશારો કર્યો હતો કે, રોડ ઉપર પૈસા પડેલા છે. જેથી કેતનભાઈ કારમાંથી ઉતરીને તપાસ કરતા ત્યાં રોડ પર દસની નોટ પડી હતી. જે 10ની નોટ લઇને તેઓ પરત કારમાં બેઠા હતા. આ દરમિયાન તેઓની ડ્રાઈવર સીટની બાજુમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ ગઇ હતી. જેથી આ સમગ્ર મામલે તેઓએ અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
ત્યારે આ ગુનામાં અડાજણ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. તપાસ કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, આ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી ગુનો આચરતી ટોળકી તમિલનાડુની ત્રિચીની ગેંગ છે અને હાલમાં આ ગેંગ જહાંગીરપુરા ડભોલી બ્રીજ પાસે ફરી રહી હતી. માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વોચ ગોઠવી આ ગેંગના 10 સાગરીતો સજીવન જયરામન પીકરી, સેરવૈ, નમસીવાયન સન્યાસી મરુંધા, સેરવૈ, થામરાઇસેલવન કનધન, સેરવૈ, ધન ગોપાલ ક્રિશ્નન મુનુસમી, સેરવૈ, સરન મુકુંધન ચામુંડી, સેરવૈ, મની બાલક્રિશ્ન દુરઇસ્વામી, મુદલીયાર, વાસુદેવન બાલક્રિશ્નન દુરઇસ્વામી, મુદલીયાર, મથન ઉર્ફે મદન નમસીવાયન સન્નાસી, સેરવૈ, અયપ્પન સામુદી આંદવર, સેરવૈ, ડેવિડ જોસફ રાજ પિલ્લઇને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપી પાસેથી લાખોની માતબર રોકડ અને ગિલોલ તેમજ લોખંડના નાના છરાઓ મળી આવ્યા હતા. જેથી પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરી હતી. પકડાયેલા આરોપીઓ તમિલનાડુના ત્રિચીરમપુરાના છે. પોતાના ગામ તથા આજુબાજુના ગામમાં આ જ પ્રકારે ચોરી કરતી બીજી ઘણી ટોળકીઓ છે. જેમાં ચોરી કરનાર 30થી વધુ ઇસમો છે. જે દેશમાં અલગ અલગ જગ્યાએ જઇને ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ ગેંગ ત્રિચીની ગેંગથી ઓળખાય છે.