Mysamachar.in:સુરત
કેટલાક શાતીર દિમાગ શખ્સો યેનકેન પ્રકારે યુક્તિઓ અજમાવી અને નાણા પડાવવા ના ખેલ કરતા હોય છે, આવી જ એક ગેંગ જે ઉત્તરપ્રદેશની છે તેના દ્વારા બેંકના એટીએમને નિશાન બનાવી અનોખી તરકીબથી ચોરી કરવામાં આવતી હતી. ગેન્ગના માણસો બેંકના એટીએમમાં ચીપીયો ફસાવી દઈને રૂપિયા કાઢી લેતા હતા, સુરત ક્રાઈમ બ્રાંચે ગેંગના 3 સાગરિતોને ઝડપી પાડ્યા છે,
ઝડપાયેલ ગેંગે સુરત શહેરના 7 અને સુરત ગ્રામ્યના એક વિસ્તારમાં એટીએમને નિશાન બનાવ્યું હતું. અડાજણ, રાંદેર, સરથાણા વિસ્તારમાં એટીએમ મશીનમાંથી નાણાં નહિ નીકળતા હોવાની ગ્રાહકો દ્વારા અનેક ફરિયાદ બેંકને કરી હતી. જેની તપાસ સીસીટીવી ફૂટેજના આધારે કરતા ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. આ શખ્સો દ્વારા બેન્ક એટીએમ મશીનમાં પ્રવેશી ચીપીયા જેવું સાધન રાખવામાં આવતું હતું. ગ્રાહકોના ગયા બાદ ચીપીયામાં ફસાયેલા નાણાં લઈ જતી ટોળકી સીસીટીવી ફૂટેજમાં દેખાઈ હતી.
ઉત્તર પ્રદેશના ચારપુરા ગામની કુખ્યાત ગેંગ શહેરમાં આવી હોવાની ક્રાઈમ બ્રાન્ચે શંકા કરી હતી. જે તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ગોડાદરા ખાતેથી અખિલેશ લાલજી પટેલ, નીરજ શ્રીનાથ પટેલ અને પંકજ મોહનલાલ દુબેને ઝડપી પાડ્યા હતા. ગામના કેટલાક યુવાનો પહેલા એનસીઆર કંપનીના એટીએમ મશીનમાં નોકરી કરતા હતા. જે કંપનીમાં ચીપીયો ફસાઇ શકતો હોવાની ટ્રીક જાણી બીજાઓને પણ શીખવતા ગામમાં અનેક ગેંગ કાર્યરત થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.