Mysamachar.in-ગાંધીનગર:
દરેક જિલ્લામાં જિલ્લા સેવા સદન માફક એક અલગથી મહેસૂલ સેવાસદન પણ રાખવું પડે છે, જે દર્શાવે છે કે, મહેસૂલ સંબંધિત કામગીરીઓ દરેક જગ્યાઓ પર પુષ્કળ રહે છે અને આ કામગીરીઓ માટે સંખ્યાબંધ અધિકારીઓ અને કર્મચારીઓ રાખવા પડે છે. તેનું કારણ એ છે કે, મહેસૂલ વિભાગમાં પુષ્કળ કાયદાઓ એવા છે જેનો અમલ અનેક કાનૂની વિવાદો પેદાં કરે છે અને આ કાયદાઓનો અમલ કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. સરકારને હવે આટલાં વર્ષે આ હકીકત સમજાઈ..અત્યાર સુધી લાખો અરજદારો હેરાન થતાં રહ્યા.
સરકારને હવે જ્ઞાન થયું કે, હાલમાં મહેસૂલ વિભાગના ઓછામાં ઓછાં 16 કાયદાઓમાં જરૂરી ફેરફાર કરી 1 જ અને નવો કાયદો બનાવી શકાય છે. સરકાર હવે આ કસરત કરી રહી છે. આ 16 કાયદાઓ અદ્રશ્ય થઈ જશે અને આ બધાં જ કાયદાઓનો ‘સાર’ 1 જ નવા કાયદામાં સમાવી લેવામાં આવશે.
અત્યાર સુધીમાં જે 16 કાયદાઓએ સૌને ઉપાધિઓ કરાવી, દોડાદોડી કરાવી, લોકોમાં ટીકાઓ થઈ- એ 16 કાયદાઓમાં લેન્ડ ગ્રેબિંગ, લેન્ડ રેવન્યુ કોડ, વારસદારો અને ખેતીની જમીનનો કાયદો, જમીન સંબંધે સુધારાઓનો કાયદો, મામલતદાર કોર્ટ એક્ટ અને ગુજરાત સ્ટેમ્પ એક્ટ સહિતના કાયદાઓનો સમાવેશ થાય છે. લોકોની આ તકે અપેક્ષાઓ એ હશે કે, નવો એક કાયદો ‘સરળ’ બને. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સરકારે 2012માં પણ આવો ફેરફાર કરવા પ્રયત્ન કર્યો હતો, જેનું કોઈ જ પરિણામ ન આવ્યું. આ વખતે શું થાય છે, એ આગામી સમયમાં ખબર પડી જશે.
























































